અમરેલીમાં શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા રોડ બાયપાસ ચોકડીને ભોજલરામ સર્કલ નામ આપવા અને અમરેલી નગરપાલિકા બિલ્ડિંગમાં સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણકદની પંચધાતુની પ્રતિમા સ્થાપવાની માગણી કરવામાં આવી છે. આ અંગે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા નગરપાલિકાના પ્રમુખ બીપીનભાઈ લીંબાણીને રજૂઆત કરવામાં આવી હતી. સાવરકુંડલા રોડ બાયપાસ ચોકડીથી ભોજલધામ ફતેપુરને જોડતો રસ્તો આવેલો છે. ભોજલધામ ફતેપુરએ સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ છે જ્યાં મહાન સંત જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં આગામી દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હોય અને દેશ વિદેશથી પાટીદાર સમાજ સહિત સર્વ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવશે. આ ઉપરાંત સર્કલની અંદર પથ્થરની નાની મઢૂલી બને તથા તેમાં ભોજલરામ બાપાની મૂર્તિ પધરાવવામાં આવે તેવી ટ્રસ્ટના પ્રમુખ ડી.કે રૈયાણી, કોર કમિટીના સભ્યો, રાજેશ માંગરોળીયા, દકુભાઇ ભુવા, ઉપપ્રમુખ કાળુભાઇ કાછડીયા, સહ મંત્રી સંજય (ચંદુભાઈ) રામાણી, રાજુભાઈ ઝાલાવાડિયા, ગોપાલભાઈ કચ્છી વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી છે.









































