પ્રાકૃતિક ખેતી શું છે?
પ્રાકૃતિક ખેતી એ એવી પદ્ધતિ છે જેમાં ખેડૂતને પાક ઉત્પાદન માટે બજારમાંથી કંઈ ખરીદવાની જરૂર નથી પડતી. પાક માટે જરૂરી તમામ પોષક તત્વો, જીવાત નિયંત્રણ અને બીજ ઉપચાર જેવી પ્રક્રિયા માટેની સામગ્રી ગામ કે ખેતરસ્તરે જ ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ પદ્ધતિનું મુખ્ય લક્ષ્ય છે જમીનના આરોગ્યમાં સુધાર કરવો અને કુદરતી પર્યાવરણ સાથે સુમેળમાં રહી ખેતી કરવી. પ્રાકૃતિક ખેતીમાં રસાયણિક ખાતર કે કીટનાશકોનો ઉપયોગ થતો નથી. તેના બદલે દેશી ગાયના ગોબર, મૂત્ર, ગોળ, કઠોળનો લોટ વગેરેના ઉપયોગથી તૈયાર થતા દ્રાવણો દ્વારા પાકને પોષણ પૂરુ પાડવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીનો પ્રથમ ધ્યેય છે જમીનના આરોગ્યમાં સુધાર. જમીન તંદુરસ્ત રહે તો છોડ આપમેળે રોગપ્રતિકારક અને શક્તિશાળી બને છે. જમીન સ્વસ્થ રહેશે તો છોડ પર્યાવરણના તાપમાન ફેરફાર અને વરસાદની અનિયમિતતાથી લડી શકશે. એટલે જો આપણે ભારતીય કૃષિને બદલાતી આબોહવાની અસરોથી બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય છે.
પ્રાકૃતિક ખેતી જમીન માટે એક આશીર્વાદરૂપ છે. આ ખેતીનો સિદ્ધાંત છે“ગામના પૈસા ગામમાં અને શહેરના પૈસા પણ ગામમાં.” એટલે કે ખેતી માટે જરૂરી દરેક વસ્તુ ગામ કે ખેતરમાંથી જ મેળવવી, બહારથી ખરીદવી નહીં. આ વિચારધારા માત્ર ખેતી પૂરતી નથી, પરંતુ ગામના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલી છે. જ્યારે ગામ પોતાની જરૂરિયાતો માટે સ્વયંપૂર્ણ બને છે, ત્યારે તેનો વિકાસ કુદરતી રીતે થાય છે.
ગાય, પશુધન અને કુદરતી સામગ્રીઓનો ઉપયોગ કરીને પાક માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીથી મળતું અન્ન રસાયણમુક્ત હોવાથી માનવ આરોગ્ય માટે લાભદાયક છે. આ ખોરાકમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે રહે છે અને તે માનવ શરીરને રોગપ્રતિકારક શક્તિ આપે છે. જમીનની કુદરતી જીવસૃષ્ટિ ફરી સક્રિય થાય છે, જમીનની રચના સુધરે છે, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે, એટલે ઓછી વરસાદી સ્થિતિમાં પણ પાક ટકી શકે છે. પાણીની ઉપલબ્ધતા લાંબા સમય સુધી રહે છે કારણ કે જમીન ઊંડે સુધી ભેજ સાચવી રાખે છે. ભેજ અને તાપમાનનું સંતુલન જળવાય છે, જેના કારણે જમીનના ઊંડા સ્તરો પણ ઉપજાઉ બને છે અને કાર્બનનું પ્રમાણ વધે છે. આ પદ્ધતિમાં રસાયણિક દવાઓ ન વપરાતાં જમીન પ્રદૂષણમુક્ત રહે છે. જમીન તંદુરસ્ત બનતાં છોડ આપમેળે રોગપ્રતિકારક બને છે. એટલે જીવાતો કે રોગો સામે લડવા માટે વધારાના કીટનાશક ખર્ચની જરૂર નથી રહેતી.
આજે દુનિયા પર્યાવરણમાં થતી અસંતુલિતતાથી ચિંતિત છે. વધુ ઉત્પાદન માટે વપરાતા રસાયણો જમીન, પાણી અને હવાની ગુણવત્તાને નાશ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી આ સમસ્યામાં ઉકેલરૂપ છે. આ પદ્ધતિ જમીનના કાર્બન સ્તર વધારીને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરે છે. જીવસૃષ્ટિનું સંતુલન જાળવે છે અને માઇક્રોબિયલ જીવનને પુનઃસ્થાપિત કરે છે. આ ખેતી જમીનને જીવંત રાખે છે, ખેડૂતને સ્વાવલંબી બનાવે છે અને પર્યાવરણને ટકાઉ બનાવે છે. આ રીતે
પ્રાકૃતિક ખેતી માત્ર કૃષિ ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર પર્યાવરણ માટે આશીર્વાદરૂપ છે.
આજે ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં પ્રાકૃતિક ખેતી ધીમે ધીમે એક ક્રાંતિરૂપ આંદોલન બની રહી છે. કુદરત સાથે સંવાદ સાધતી આ પદ્ધતિ માનવજાતને સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી રહી છે. અનેક ખેડૂતો આ પદ્ધતિ અપનાવીને સફળ થયા છે અને પોતાના અનુભવથી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. ખરેખર,
પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની રીત નથી, પરંતુ તે ભારતની
કૃષિ વ્યવસ્થામાં એક શાંતિપૂર્ણ અને ક્રાંતિકારી પરિવર્તન છે જે જમીન, પાણી અને જીવનના દરેક સ્તર પર નવી ઊર્જા ફૂંકી રહી છે.












































