અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે આવા સમયે કાચા મકાનોમાં રહેતા લોકો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે. જેમાં ધારી તાલુકાના સરસીયા ગામે એક કાચું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત નિપજ્યું હતું.
ધારી તાલુકાના સરસીયા ગામે રહેતા હમીરભાઈ બોરીચાના પત્ની હીરૂબેન(ઉ.વ.૭ર) નામના
પ્રૌઢા પોતાના ઘરમાં હતા ત્યારે સતત વરસી રહેલા વરસાદને કારણે રાત્રીના બે વાગ્યાની આસપાસ તેમના મકાનનો એક ભાગ ધરાશાયી થતા મકાનની અંદર સુતેલા હીરૂબેન પર મકાનનો કાટમાળ પડતા હીરૂબેનનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ સરપંચ સહિત ગ્રામજનોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ટીડીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રૌઢાની લાશને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મકાન ધરાશાયી થતાં પ્રૌઢાનું મોત નિપજ્યું હોવાની જાણ થતા જ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો
પ્રૌઢા ઘરમાં સુવા જતા જ દિવાલ ધરાશાયી
જાણવા મળતી માહિતી મુજબ પ્રૌઢા તેમના પતિ સાથે બહાર ઓસરીમાં સુતા હતા. રાત્રીના વરસાદ આવતો હોવાથી વાછટને કારણે પ્રૌઢા મકાનની અંદર સુવા ગયા હતા. જયાં મકાનની દિવાલ ધરાશાયી જતા પ્રૌઢાને ગંભીર હાલતમાં દવાખાને ખસેડાયા હતા જયાં ડોકટરોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.









































