સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મનોદિવ્યાંગ બહેનો માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક આશ્રયસ્થાન ખાતે યોજાયેલા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે માનવ મંદિરના પ.પૂ. ભક્તિરામ બાપુએ મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અધ્યક્ષસ્થાને રહ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનોદિવ્યાંગ બહેનોએ ઉત્સાહભેર રાસ રજૂ કરતાં ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા. આ ઉત્સવથી આશ્રમમાં આનંદનો માહોલ છવાયો હતો.








































