સાવરકુંડલાના ધાર ગામે મહિલા સરપંચ પર ચૂંટણીના મનદુઃખમાં હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી અને રૂપિયા ૫૦ હજાર બળજબરીથી કઢાવી લેવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે સરપંચ હંસાબેન હસમુખભાઈ કાકડીયા (ઉ.વ.૫૮)એ ભાવેશભાઈ ભોજભાઈ બોરીચા તથા હઠીલા ગામના લાલો નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. ભાવેશભાઇ ભોજભાઇ બોરીચાએ સામેની સરપંચની બોડીના સભ્ય તરીકે ઉમેદવારમાં ફોર્મ ભર્યું હતું. જેઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય પદે હારી ગયા હતા. જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મનદુઃખ રાખી બંને આરોપીએ તેના ઘર આગળ આવી તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ તેમની ફોરવ્હીલ ગાડીમાં રૂ.૧,૯૦,૦૦૦નું નુકસાન કર્યું હતું. તેમજ તેમની પાસેથી અગાઉ સંરપચમાં રહેવું હોય અને ગામના કામ કરવા હોય તો રૂ.૫૦,૦૦૦ બળજબરીથી કઢાવી લેવાની કોશીશ કરી હતી. ઉપરાંત પૈસા ન આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.