સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ગરનાળા પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક બાઈક અચાનક ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક યુવક ગામડીથી જાદરના મેળામાં જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં કાંકણોલ ગરનાળા પાસે પહોંચતા તેની બાઈક અનિયંત્રિત થઈને ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચલાવતો યુવક ઉછળીને સીધો નીચે ભરાયેલા પાણીમાં ખાબક્્યો હતો.
પાણીમાં પડેલા પોતાના સાથી કે મિત્રને બચાવવા માટે બીજા યુવક તરત જ મદદે દોડી આવ્યો હતો, પરંતુ કમનસીબે તે પણ ગરનાળા નીચે પાણીમાં પડતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોની મદદથી ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મેળામાં આનંદ-પ્રમોદ કરવા નીકળેલા યુવકો સાથે સર્જાયેલી આ આકસ્મિક દુર્ઘટનાને કારણે બંને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર પંથકમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.







































