છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ હોય કે વિદેશ પ્રવાસ દરમિયાન પોતાની અંગત ચીજ વસ્તુઓ ગુજરાત યુનિવર્સિટીના પૈસા ખર્ચીને લીધી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. આ વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ૧૪ કરોડથી વધુની રકમ પરત કરી દીધી છે. નીરજા ગુપ્તાએ પીએમજેવીકે અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી ગુજરાત યુનિમાં ૧૪ કરોડથી વધુની રકમ જમા કરાવી દીધી છે.
પીએમજેવીકે અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ નીરજા ગુપ્તાના પર્સનલ એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થયા હતા. નીરજા ગુપ્તાએ પીએમજેવીકે અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટના પ્રિન્સીપાલ ઈન્વેસ્ટીગેટર તરીકે પણ રાજીનામું આપ્યું છે. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ પ્રોજેક્ટમાં પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર તરીકે સક્રિય હતા. તેમણે રીટાયર્ડ જજ દીપક વ્યાસની કમિટીની તપાસ વચ્ચે રૂપિયા પરત કરી રાજીનામું આપ્યું છે.
આ આક્ષેપો અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ચાર વર્ષમાં ખોટી રીતે જે ફંડ ગયું છે, જે મામલે ગુજરાત યુનિવર્સિટી રીટાયર્ડ જજ દીપક વ્યાસ તપાસ શરૂ કરી છે. પૂર્વ કુલપતિ સામે કૌભાંડના આક્ષેપની આ મેટર પણ તપાસ કમિટી સમક્ષ છે. વહીવટી બાબતના નિર્ણય નિયમ પ્રમાણેની નિમણૂક અંગે રિપોર્ટ આવશે. કમિટીએ જે વિવાદ છે તેની કોપી અને બીજા ડોક્. પણ કમિટીને આપવામાં આવ્યા છે.
આ અંગે પૂર્વ સિન્ડીકેટ મેમ્બર ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ જણાવ્યું હતુ કે, ૨ મે ૨૦૨૫ના રોજ મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં ખર્ચ માટે મંજૂરી અપાઈ હતી. પરંતુ ૩ મેના રોજ મળેલી સિન્ડીકેટ બેઠકમાં બાંધકામ ખર્ચની દરખાસ્ત જ ગાયબ કરી દેવાઈ હતી. ત્યાર બાદ જુલાઈ મહિનામાં સિન્ડીકેટની બેઠક વગર ૩૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ મંજૂર કરી દેવામાં આવ્યો હતો. નિયમો અનુસાર, સિન્ડીકેટની મંજૂરી વગર કોઈ ખર્ચ મંજૂર થઈ શકે જ નહીં. ત્યારે આવા આડેધડ વહીવટને કારણે એક બાદ એક આરોપોની હારમાળા શરૂ થતા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું ધામ નહીં પરંતુ કૌભાંડોનું ધામ બની હોય તેવું લાગી રહ્યું છે.