વીજપડી ગામથી રણછોડરાય મંદિર તરફ જતો માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે અને રસ્તો ઉબડખાબડ બની ગયો છે. જેના કારણે વિદ્યાર્થીઓ સહિત ગામના લોકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદ દરમિયાન માર્ગની સ્થિતિ વધુ ખરાબ બનતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ માર્ગના સમારકામ અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. જેથી ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી માર્ગનું સમારકામ કરાવવા માંગ કરી છે. માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની અવરજવર સરળ બની શકે તેમ છે.









































