વિશ્વભરમાં દર વર્ષે ૮ માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના સન્માન, તેમની સિદ્ધિઓની કદર અને સમાજમાં લૈંગિક સમાનતા વધારવા માટે ખાસ મહત્વ ધરાવે છે. મહિલાઓએ સમાજ, અર્થતંત્ર, શિક્ષણ અને રાજકારણ જેવા અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, અને આ દિવસ તેમના પ્રયત્નોને માન્યતા આપવા માટે સમર્પિત છે.
આ દિવસે શાળાઓ, કોલેજા, ઓફિસો અને વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલાઓના સશક્તિકરણ અંગે કાર્યક્રમો, સેમિનાર અને જાગૃતિ અભિયાનો યોજવામાં આવે છે. મહિલાઓને સમાન વેતન, શિક્ષણ અને તકો મળી રહે તે માટે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પણ આ દિવસનો મુખ્ય હેતુ છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ૨૦મી સદીની શરૂઆતમાં અમેરિકા અને યુરોપમાં મહિલાઓના અધિકારો માટે થયેલા શ્રમિક આંદોલનોમાંથી આ દિવસની શરૂઆત થઈ હતી. ૧૯૦૯માં અમેરિકાની સોશ્યાલિસ્ટ પાર્ટીએ પ્રથમ વખત મહિલા દિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ ૧૯૧૦માં કોપનહેગનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનો વિચાર રજૂ થયો.
૧૯૧૭માં રશિયામાં મહિલાઓએ યુદ્ધ અને અસમાનતા સામે ઐતિહાસિક હડતાળ કરી, જેના પરિણામે તેમને મતાધિકાર મળ્યો. જુલિયન અને ગ્રેગોરિયન કેલેન્ડરના અંતરના કારણે તે દિવસ ૮ માર્ચ તરીકે ઓળખાયો અને ત્યારથી વિશ્વભરમાં આ તારીખે મહિલા દિવસ ઉજવવાની પરંપરા શરૂ થઈ.
૧૯૭૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે મહિલા વર્ષ જાહેર કરીને પ્રથમ વખત આ દિવસને સત્તાવાર રીતે ઉજવ્યો હતો. ત્યારબાદ ૧૯૭૭માં યુએન જનરલ એસેમ્બ્લીએ તમામ સભ્ય દેશોને ૮ માર્ચને મહિલા અધિકાર દિવસ તરીકે માન્યતા આપવા અપીલ કરી.
મહિલા દિવસનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ લાવવો, તેમની સામે થતા અન્યાયનો વિરોધ કરવો અને તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કરવો છે. આજના સમયમાં પણ ઘણી મહિલાઓ સમાન અધિકાર માટે સંઘર્ષ કરી રહી છે, તેથી આ દિવસ સમાજમાં સમાનતા અને ન્યાયની ભાવનાને મજબૂત બનાવે છે.
વર્ષ ૨૦૨૬ માટે મહિલા દિવસની થીમ રાખવામાં આવી છે. આ થીમનો અર્થ એ છે કે જ્યારે આપણે કોઈને મદદ કરીએ, સહયોગ આપીએ અથવા સમાજ માટે યોગદાન આપીએ ત્યારે અંતે સમગ્ર સમાજને તેનો લાભ મળે છે. આ વિચાર લોકોમાં ઉદારતા અને સહકારની ભાવના વિકસાવવા માટે પ્રેરિત કરે છે.
આ રીતે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ મહિલાઓના સંઘર્ષ, તેમની સફળતાઓ અને સમાન અધિકારો માટેની લડતને યાદ કરવાની એક મહત્વપૂર્ણ તક છે. આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “નારી તુ નારાયણી”, એટલે કે સ્ત્રીમાં દૈવી શક્તિ વસે છે. આ વિચારધારા દર્શાવે છે કે સ્ત્રીનું સન્માન અને સશક્તિકરણ સમાજની પ્રગતિ માટે અનિવાર્ય છે.









































