વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૪ જુલાઈએ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ સાણંદ ખાતે ભારતનો ત્રીજા અને અતિ આધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશને સમર્પિત કરવાના છે. ભારતને વિશ્વનું ‘સેમિકન્ડક્ટર હબ’ બનાવવાની વડાપ્રધાનની નેમ આ પ્રોજેક્ટ દ્વારા સાકાર થતી જણાય છે.
સાણંદ ખાતે શરૂ થનારો આ પ્લાન્ટ સીજી પાવર અને વિશ્વની દિગ્ગજ કંપની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત સાહસથી તૈયાર કરવામાં આવ્યો છે. આ એક અત્યાધુનિક ઓએસએટી ફેસિલિટી છે. આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ થશે, જે આવનારા સમયમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
ગુજરાત સરકારના મતે, આ પ્રોજેક્ટથી સાણંદ વિસ્તારમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો પાયો નંખાશે. માત્ર સીધું રોકાણ જ નહીં, પરંતુ તેનાથી સંલગ્ન અનેક નાના-મોટા ઉદ્યોગોને પણ વેગ મળશે. નિષ્ણાતોના મતે, આ પ્લાન્ટ હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીની તકો ઉભી કરશે. ગુજરાત સરકારની સેમિકન્ડક્ટર પોલિસીના કારણે જ આજે રાજ્ય ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું ગઢ બની રહ્યું છે.
વડાપ્રધાન મોદી હંમેશા ‘મેક ઇન ઈન્ડિયા’ પર ભાર મૂકે છે. સેમિકન્ડક્ટરની વૈશ્વિક અછત અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પ્લાન્ટ એક મહત્વનું સોપાન છે. સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રીક વાહનો અને ડિફેન્સ સિસ્ટમ સુધી તમામમાં સેમિકન્ડક્ટર ચિપ અનિવાર્ય છે. સાણંદમાં થઈ રહેલું આ રોકાણ ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, ઉદ્યોગ મંત્રી તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.










































