લીલીયામોટા ગામે ગ્રામ પંચાયત હેઠળ કાર્યરત આશરે ૨૦ જેટલા સફાઈ કામદારોને અચાનક ફરજ પરથી દૂર કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામપંચાયત દ્વારા આયોજનબધ્ધ રીતે સફાઈની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપી દેવામાં આવતા વર્ષોથી રોજમદાર તરીકે સેવા આપતા ગરીબ શ્રમિકોના જીવનનિર્વાહ પર સંકટ આવી પડ્યું છે. નિયમ મુજબ જ્યાં ૧૪ જગ્યાઓ પર કાયમી ભરતીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, ત્યાં કામદારોને તેમના હક્કોથી વંચિત રાખી તંત્ર દ્વારા શોષણખોરીની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ અન્યાયી નિર્ણયના વિરોધમાં સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ અને ગ્રામસેવક સાથે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ બેઠક દરમિયાન ઈનચાર્જ સરપંચ વિજયભાઈએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા અને ‘મને આ મામલે ફસાવવામાં આવ્યો છે’ તેવું કહી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તા. ૨૮/૦૩/૨૦૨૬ના રોજ જીતુભાઈ બારૈયા દ્વારા કોન્ટ્રાક્ટને લગતા જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ પંચાયત તંત્ર દ્વારા કોઈ સંતોષકારક વિગતો રજૂ કરવામાં ન આવતા સમગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં આવી છે. સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સોમવાર સુધીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરી કામદારોને પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. સમાજની મુખ્ય માંગ છે કે ખાનગીકરણની નીતિ તાત્કાલિક બંધ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વર્ષોથી પ્રામાણિકતાથી કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરી ન્યાય આપવામાં આવે.






































