અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાં દીર્ઘકાલીન સેવા આપનાર અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વિષયના બે વરિષ્ઠ શિક્ષકોનો નિવૃત્તિ સન્માન સમારોહ તારીખ ૨૭-૦૩-૨૦૨૬ના રોજ વાંકીયા ખાતે અત્યંત ભાવુક વાતાવરણમાં સંપન્ન થયો હતો. કલાપી વિનય મંદિરના ડાયાભાઈ ખાણીયા અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના પ્રફુલ્લાબેન ઘોઘલીયાના માનમાં યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા આચાર્ય સેજલબેન પટોળીયાએ કરી હતી. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ તુલસીભાઈ મકવાણા અને અન્ય મહાનુભાવોએ નિવૃત્ત થતા શિક્ષકોને શાલ તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમના નિરામય જીવનની કામના કરી હતી. કાર્યક્રમ દરમિયાન સહકર્મચારીઓએ જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે જિલ્લામાં નવનિયુક્ત ૧૩ જ્ઞાનસહાયક શિક્ષકોનું પણ પુષ્પગુચ્છ અને કલમ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.








































