ગુજરાત રાજ્યના કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલની મુલાકાત લઈ વિવિધ વારસાગત અને વિસરાતી જતી પરંપરાગત રમતોના વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી મેદાન પર ઉતર્યા હતા અને રમતવીરો તથા બાળકો સાથે સીધો સંવાદ કરી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે સાંસદ ભરતભાઈ સુતરીયા,અતુલ કાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કૌશિકભાઈ વેકરિયાએ ભમરડો ફેરવવો, લખોટા, રસ્સાખેંચ અને નિશાનબાજી જેવી પરંપરાગત તથા અન્ય રમતોમાં કૌશલ્ય અજમાવ્યું હતું. આ ઉપરાંત ખોખો, હોકી, ક્રિકેટ અને દોડ જેવી લોકપ્રિય રમતોમાં પણ બાળકો સાથે સક્રિયપણે ભાગ લીધો હતો. રાજ્યમંત્રીને બાળકો સાથે રમતા જોઈ સમગ્ર સંકુલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. રમતગમતનું મહત્વ સમજાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પરંપરાગત રમતો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ આપણા ભવ્ય વારસાનો મહત્વનો હિસ્સો છે. આવી રમતો બાળકોમાં સામૂહિક ભાવના, એકાગ્રતા અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવવામાં મદદરૂપ બને છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલથી દૂર રહી મેદાનમાં રમતગમત સાથે જોડાવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમણે આ આયોજનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન સાથે જોડતાં જણાવ્યું હતું કે, દેશી અને પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાથી બાળકો અને યુવાનોમાં તંદુરસ્તી અંગે
જાગૃતિ વધશે. કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, નગરપાલિકાના સભ્યો, વિવિધ હોદ્દેદારો, વિદ્યાસભા સંકુલનો સ્ટાફ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.









































