રાજકોટમાં તબીબી ક્ષેત્રનો એક અસામાન્ય અને દુર્લભ કેસ સામે આવ્યો છે. ૧૮ વર્ષના યુવકની લાળની નળી એટલે કે ‘વ્હાર્ટન્સ ડક્ટ ‘માંથી એકસાથે ૧૦ પથરીઓ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે. ખાસ વાત એ છે કે સમગ્ર સર્જરી મોઢાની અંદરથી કરવામાં આવી હતી, જેના કારણે બહારની ચામડી પર કોઈ ચીરો કે દેખાતો ડાઘ રહ્યો નથી. રાજકોટના ઇએનટી તથા હેડ ઍન્ડ નેક સર્જન ડા. હિમાંશુ ઠક્કરે આ પડકારજનક સર્જરી કરી છે.
રાજકોટના ૧૮ વર્ષના યુવક કેવિનને છેલ્લા એક મહિનાથી મોઢાની અંદર ખાસ કરીને જમતી વખતે, જીભની નીચે દુખાવો થતો હતો. સાથે જ ડાબી બાજુ જડબાની નીચે સોજા પણ આવતો હતો. શરૂઆતમાં સામાન્ય સમસ્યા લાગતી આ તકલીફની તપાસ કરવામાં આવતા લાળની નળીમાં અનેક પથરીઓ હોવાનું સામે આવ્યું હતું. સોનોગ્રાફી દરમિયાન કેવિનની ડાબી બાજુની સબમૅન્ડીબ્યુલર લાળની સિસ્ટમમાં અનેક પથરીઓ જોવા મળી હતી. ત્યારબાદ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજકોટના ઇએનટી તથા હેડ ઍન્ડ નેક સર્જન ડા. હિમાંશુ ઠક્કરે વ્હાર્ટન્સ ડક્ટ નામની સાંકડી લાળની નળીમાં ફસાયેલી તમામ ૧૦ પથરીઓ મોઢાની અંદરથી બહાર કાઢી હતી. સમગ્ર પ્રક્રિયા ઇન્ટ્રાઓરલ અપ્રોચથી કરવામાં આવી હતી. એટલે કે બહારની ચામડી પર કોઈ ચીરો પાડવામાં આવ્યો નહોતો. સાથે જ સબમૅન્ડીબ્યુલર લાળની ગ્રંથિને પણ સુરક્ષિત રાખવામાં આવી હતી.
સબમૅન્ડીબ્યુલર ગ્રંથિમાંથી લાળને મોઢાની અંદર પહોંચાડતી નળીને ‘વ્હાર્ટન્સ ડક્ટ’ કહેવામાં આવે છે. આ નળી આશરે ૫ સેન્ટીમીટર લાંબી હોય છે અને તેનો વ્યાસ પ્રમાણમાં સાંકડો હોય છે. આવી સાંકડી નળીમાંથી એકસાથે અનેક પથરીઓ કાઢવી અને સાથે લાળની ગ્રંથિનું સંરક્ષણ કરવું સર્જન માટે પડકારજનક પ્રક્રિયા બની શકે છે.
સર્જરી બાદ કેવિનની તબિયત સારી રહી. તેને તે જ સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ડા. ઠક્કરે જણાવ્યું કે જડબાની નીચે વારંવાર સોજા આવે, દુખાવો થાય કે જમતી વખતે સોજા અને દુખાવો વધે તો તેને હળવાશમાં ન લેવું. આવી તકલીફ લાળની નળીમાં અવરોધને કારણે પણ થઈ શકે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી આગળની મુશ્કેલી ટાળી શકાય છે.








































