નરોડા વિસ્તારમાં અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના નામે છેતરપિંડી કરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નરોડા હંસપુરા રાજચંદ્ર સર્કલ પાસે આવેલા સાહિત્ય આર્કેડના પ્રથમ માળે દુકાન નંબર ૧૧૨માં છેલ્લા ત્રણ મહિનાથી આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. કાર્યવાહી દરમિયાન બે મહિલા સહિત કુલ સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અમેરિકન નાગરિકોના બેન્ક એકાઉન્ટ સંબંધિત લીડ ડેટા મેળવી તેનો ઉપયોગ કરતા હતા. આ ડેટા કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતો હતો. ત્યારબાદ અમેરિકાની અલગ-અલગ બેન્કોના વકીલ હોવાની ખોટી ઓળખ આપી લોન સસ્તામાં સેટલ કરાવવાની લાલચ આપતી સ્ક્રિપ્ટ મુજબ ઈ-મેલ મોકલવામાં આવતા હતા. કોઈ અમેરિકન નાગરિક તરફથી ઈ-મેલનો જવાબ મળ્યા બાદ તેને લોન સેટલમેન્ટના નામે વિશ્વાસમાં લેતા ત્યારબાદ આરોપીઓ કથિત રીતે ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ વિગતો મેળવી આ માહિતી ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે અન્ય પેમેન્ટ હેન્ડલર્સને મોકલતા હતા. મળેલી વિગતોના આધારે અમેરિકન નાગરિકોના બેન્ક ખાતામાંથી નક્કી કરેલી રકમ કપાવવામાં આવતી. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આ રીતે મેળવેલી રકમમાંથી એક હિસ્સો કથિત રીતે ક્રિપ્ટોકરન્સી એટલે કે બિટકોઈન મારફતે મેળવવામાં આવતો હતો. ત્યારબાદ અલગ-અલગ ટેલિગ્રામ ગ્રુપના સંપર્કથી બિટકોઈનને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરી હવાલા/આંગડિયા મારફતે નાણાં મેળવવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.
નરોડા પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ ફોન, રાઉટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી અલગ-અલગ ઈ-મેલ એકાઉન્ટમાં લોગિન અને લોન સેટલમેન્ટ સંબંધિત સ્ક્રિપ્ટનો ઉપયોગ થતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.
પોલીસે સાત આરોપીઓમાં જીગેશ ઝાલાહર, દેવાંગ સપકાલ, સુશીલ તોમર, દેવ વૈષ્ણવ, ઇમ્તીહેન સંગ ચાર્મયાર્ડ, પ્રીતીબેન પટેલ અને વૈશાલી વેધાનીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૬૧(૨)(ક), ૩૧૮(૪), ૩૧૯(૨), ૫૪ તથા આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કોલ સેન્ટર માટે લીડ ડેટા ક્્યાંથી મેળવવામાં આવતો હતો, આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને અત્યાર સુધી કેટલા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી થઈ છે તે અંગે નરોડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.







































