શહેરના બોડકદેવ વસ્માંત્રાપુર આવેલા એનઆરઆઈ ટાવરમાં બુધવારે રાતે પતિએ પત્નીની હત્યા કરીને પોતે આપઘાત કર્યો છે. મૃતક યશરાજસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલનો ભત્રીજા છે. આ અંગે એ ડિવિઝનના એસપી જયેશ બ્રહ્મભટ્ટે પોલીસ તરફથી પહેલી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, યશરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરીબા ગોહિલના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા અને આ લોકો રાજીખુશીથી જ પોતાના ફ્લેટમાં ગયા છે. હાલ આ અંગે વીરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
એ ડિવિઝનના એસપી જયેશ બ્રહ્મભટ્ટે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, બુધવારે સાંજે સંબંધીને ત્યાં મળવા ગયા હતા. જે બાદ ઘરે આવીને માતાને મળીને પોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. માતાના જણાવ્યા પ્રમાણે, હું સૂતી હતી અને દીકરાએ જગાડીને કહ્યું કે, મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી પત્નીને વાગી છે. તું જલદી આવ આપણે તેને હોસ્પિટલ લઈ જવી પડશે. પછી બંને જણ જ્યાં પત્નીને ગોળી વાગી છે તે બેડરૂમમાં ગયા હતા. તેમના દીકરાએ ૧૦૮ને ફોન કર્યો હોય છે. તે લોકો ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં ૧૦૮ના કર્મચારીઓ પણ ત્યાં આવી જાય છે. ૧૦૮ના કર્મીએ પત્નીને ચેક કરીને પત્નીને ડેડ જાહેર કર્યા છે.
જેથી કર્મચારી આગળના બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલરૂમમાં જાણ કરે છે અને બીજી બાજુ દીકરો તેની માતાને કહે છે કે, તમે કપડાં બદલી નાંખો આપણે હોસ્પિટલ જવું પડશે એટલે એમના માતા પણ બીજા રૂમમાં જાય છે. આ દરમિયાન યશરાજસિંહ પોતાને પણ ગોળી મારી દે છે. આ અવાજ સાંભળતા માતા અને ૧૦૮નો કર્મચારી બંને તે બેડરૂમમાં જાય છે તો યશરાજે પોતાને ગોળી મારી દીધેલી હોય છે અને તે લોહીલુહાણ હાલતમાં જાવા મળે છે.
પોલીસે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, પતિ પત્ની બંનેને માથામાં જ ગોળી વાગી છે. આ બનાવ બુધવારની રાતે ૧૨ વાગ્યાની આસપાસ બન્યો છે. આ લોકોનું બે મહિના પહેલા જ લગ્ન થયું છે. આ લોકો રાજીખુશીથી જ પોતાના ફ્લેટમાં ગયા છે. ઘટના બની ત્યારે ઘરમાં આ દંપતી અને માતા જ હાજર હતા. બનાવ પહેલા બંનેએ જ્યુસ પણ પીધું હતું.
આ ઘટના અંગે ગુજરાત કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પણ મીડિયાને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યશરાજસિંહ ગોહિલ શકિતસિંહ ગોહિલનો ભત્રીજા હતો. તેમને તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની પરીક્ષા પાસ કરીને ભરતી મળી હતી. તેઓ યુપીએસસીની પરીક્ષાની પણ તૈયારી કરતા હતા. યશરાજસિંહએકદમ ઉત્સાહી અને આનંદિત સ્વભાવના હતા. તેઓ રિવોલ્વર રાખતા હતા. તેમને વાહન સ્પીડમાં ચલાવવાનો પણ ઘણો શોખ હતો. આ અંગે શકિતસિંહ અને મેં પણ તેને ઘણીવાર ઠપકો આપ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની થોડા દિવસમાં વિદેશ ફરવા જવાના હતા. તે પહેલા બુધવારે સાંજે ફોઈબાને ત્યાં જમવા ગયા હતા. ત્યાર બાદ તેઓ ઘરે આવ્યા હતા. ભાઈ ઘરે આવીને રોજની તેમની આદત પ્રમાણે રિવોલ્વરને ફેરવતા હતા. આ દરમિયાન અકસ્માતે ગોળી છૂટતા તેમના પત્નીને ગળામાં વાગી હતી. જે બાદ તેમને ૧૦૮ને જાણ કરી હતી. જ્યારે ૧૦૮ની ટીમ આવી ત્યારે ટીમે તેમના પત્નીનું મોત થયું છે તેમ જણાવ્યું હતું. આ સાંભળતા જ તેઓ આઘાતમાં સરી ગયા હતા. જેથી તેમણે પોતે તે જ રિવોલ્વરથી જ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ૧૦૮ની ટીમે તેમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તે માન્યા નહીં. તેમની સાથે તેમના માતા પણ રહેતા હતા. પરિવાર માટે આ દુખદ ઘટના ઘટી હતી.










































