મહુવા થી બાંદ્રા વચ્ચે શરૂ થયેલી ટ્રેનને દામનગરમાં સ્ટોપ આપવા માટે પંથકમાંથી પ્રબળ માંગ ઉઠી રહી છે. આ વિસ્તારના અસંખ્ય લોકોની દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ કાયમ અવરજવર રહેતી હોય છે. હાલમાં આ ટ્રેનમાં પૂરતા પ્રમાણમાં પેસેન્જરો મળતા રેલવે તંત્રને સારી આવક થઈ રહી છે, ત્યારે દામનગરમાં સ્ટોપ મળવાથી રેલવેની આવકમાં લાખો રૂપિયાનો વધારો થઈ શકે તેમ છે. દામનગર શહેરથી માત્ર ૬ કિલોમીટરના અંતરે પ્રખ્યાત સ્વયં પ્રગટ શ્રી ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે, જ્યાં મુંબઈ અને દક્ષિણ ગુજરાતથી હજારો ભક્તો નિયમિત દર્શનાર્થે આવે છે. રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી અને રાજય ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના નેતાઓ પણ આ સ્થાનક પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે.
કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર હોવાથી, સ્થાનિક આગેવાનોએ અમરેલીના સાંસદ અને ધારાસભ્યને આ બાબતે અંગત રસ લઈ રેલવે મંત્રી સુધી રજૂઆત કરવા અપીલ કરી છે.