અમરેલી જિલ્લાના જરખીયા ગામના ખેડૂત ભરતભાઈ ચોવટીયા આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એક પ્રેરણારૂપ નામ બન્યા છે. તેમણે રસાયણયુક્ત પરંપરાગત ખેતીનો ત્યાગ કરીને ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી એક
ઉત્કૃષ્ટ ‘મોડેલ ફાર્મ’ તૈયાર કર્યું છે. તેમની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભરતભાઈ જણાવે છે કે અગાઉ મકાઈ જેવા પાકોમાં રાસાયણિક દવાઓના અતિશય છંટકાવ છતાં જીવાતો પર નિયંત્રણ આવતું નહોતું અને ખર્ચ વધતો જતો હતો. આ સમસ્યાના ઉકેલ રૂપે તેમણે છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતીનો માર્ગ પકડ્યો છે. આજે તેઓ પોતાના ખેતરમાં મગફળી, તુવેર, ઘઉં, ધાણા અને વરીયાળી જેવા વિવિધ પાકો સફળતાપૂર્વક ઉગાડી રહ્યા છે.








































