શહેરમાં ઠગાઈ આચરવા માટે ગઠિયાઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે, ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં પિતાજીની પુણ્યતિથિના નામે વેપારીઓને જાળમાં ફસાવી લાખો રૂપિયાના ડ્રાયફ્રૂટ પચાવી પાડવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. હસમુખ જૈન નામના શખ્સે ચાર જેટલા વેપારીઓ પાસેથી વિશ્વાસ કેળવી ડ્રાયફ્રૂટનો જથ્થો ખરીદ્યો હતો અને તેના બદલામાં આપેલા ચેક બાઉન્સ થતાં સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાયફ્રૂટની દુકાન ધરાવતા દેવારામ મોદી નામના વેપારીનો ગત ૧૦મી જુલાઈના રોજ સવારે હસમુખ જૈન નામના શખ્સે સંપર્ક કર્યો હતો. તેણે પોતાના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે મોટા પાયે ડ્રાયફ્રૂટની જરૂર હોવાનું કહીને ૩૫૦ કિલો કાજુ, બદામ અને પિસ્તાનો ઓર્ડર આપ્યો હતો. વેપારી દેવારામ મોદીએ ઓર્ડર મુજબ ડ્રાયફ્રૂટનો જથ્થો મોકલી આપ્યો હતો, જેના ચૂકવણા પેટે આરોપીએ બેંકના ચેક આપ્યા હતા.
જાકે, વેપારીએ જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવ્યા ત્યારે ખાતામાં અપર્યાપ્ત બેલેન્સ હોવાને કારણે ચેક બાઉન્સ થયા હતા. વેપારીએ હસમુખ જૈનનો સંપર્ક કરતા તેણે આરટીજીએસ મારફતે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાની ખાતરી આપી હતી. પરંતુ લાંબો સમય વિત્યા બાદ પણ નાણાં ખાતામાં જમા ન થતાં અને આરોપી તરફથી અવનવા બહાના બતાવવામાં આવતા વેપારીને શંકા ગઈ હતી.ત્યારબાદ વેપારીએ પોતાના સ્તરે તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી હસમુખ જૈને આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને શહેરના અન્ય ત્રણ વેપારીઓને પણ પોતાના શિકાર બનાવ્યા હતા અને તેમની પાસેથી પણ લાખો રૂપિયાના ડ્રાયફ્રૂટ મેળવી લીધા હતા. ચાર વેપારીઓ સાથે મળીને કુલ ૯,૨૬,૦૦૦ની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતાં આખરે વેપારીઓએ કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી હસમુખ જૈન સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.