“જેનું સૌરાષ્ટ્ર, તેનું ગુજરાત” આ માત્ર એક રાજકીય કહેવત નથી પણ ગુજરાતની સત્તાનો અસલી સિંહાસન માર્ગ છે. સૌરાષ્ટ્ર સત્તાના સમીકરણો બદલી શકવાની તાકાત ધરાવે છે. અહીં મોટાભાગનો વર્ગ ગામડાઓ સાથે સંકળાયેલો છે અને ગામડાઓ ભાજપની નબળી નસ છે. ભાજપ કોઈ પણ સંજાગોમાં પાટીદારો ભાજપની તરફે રહે એ માટે હંમેશાં પ્રયાસો કરે છે. સુરતમાં પાટીદારોનો આપ તરફી વધેલો ઝોક હવે ધીરેધીરે ઓછો થઈ રહ્યો છે પણ કોંગ્રેસ અને આપને પણ સૌરાષ્ટ્રમાં તક દેખાઈ રહી છે. જેને પગલે ભાજપ પણ સક્રિય થઈ ગયું છે.
તાજેતરમાં ભાજપના બે ટોચના નેતાઓ ગણાતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા પાટીદાર સમાજની બે સર્વોચ્ચ સંસ્થાઓના વડાઓ સાથે કરવામાં આવેલી બેઠકોએ રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી છે.
ગુજરાતનું પાટીદાર પોલિટિક્સ મુખ્યત્વે લેઉવા અને કડવા પાટીદારમાં વહેંચાયેલું છે, ભાજપની નવી રણનીતિ આ બંને પાવર સેન્ટર્સને એકસાથે સાધવાની છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમાન સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ મોંટેરશાભાઈ ઉકાણી સાથે ખાસ બેઠક કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદાર મતો પર સિદસર સંસ્થાનનો મોટો પ્રભાવ છે, જેથી સંગઠન સ્તરે આ બેઠક આગામી ચૂંટણી માટે અત્યંત મહત્વની મનાય છે. જોકે, ભાજપ એવું માને છે ઉંઝા ઉમિયાધામ સંસ્થાન અને ઉત્તર ગુજરાતના પાટીદારો હંમેશાં પોતાની સાથે જ છે.
આ બેઠક પહેલાં, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના લેઉવા પાટીદારોના સૌથી મોટા પાવર સેન્ટર ગણાતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. નરેશ પટેલ સાથેની સંઘવીની આ મુલાકાત માત્ર સામાજિક નહોતી.
બિન-પાટીદાર અને ઓબીસી ચહેરા હોવા છતાં, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની જાડીને પાટીદાર સમાજને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા સંગઠન મોરચે કડવા પાટીદારોને જોડી રહ્યા છે, તો ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી લેઉવા પાટીદાર નેતૃત્વ સાથે સંબંધો મજબૂત કરી રહ્યા છે.
સુરતમાં હર્ષ સંઘવીએ ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગના પાટીદાર અગ્રણીઓ સાથે લાંબા સમયથી મજબૂત પકડ બનાવી રાખી છે, જ્યારે જગદીશ પંચાલે અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના પાટીદાર પરિવારો અને વેપારીઓ સાથે સીધું ટ્યુનિંગ ગોઠવ્યું છે. ભાજપ ક્્યારેય ચૂંટણીની છેલ્લી ઘડી સુધી રાહ જોવામાં માનતું નથી. ૨૦૨૭માં કોઈપણ પ્રકારની શાસન વિરોધી લહેર ઊભી ન થાય અને પાટીદાર મતોમાં કોઈ અન્ય પક્ષ (જેમ કે આપ કે કોંગ્રેસ) ગાબડું ન પાડી શકે તે માટે ‘ડેમેજ કંટ્રોલ’ અત્યારથી જ શરૂ કરાયું છે.







































