ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં એક મોટી બોટ અકસ્માત થયો છે. અહીં નદીમાં ઝાડની ડાળીઓ સાથે અથડાયા બાદ હોડી ઊંડા પાણીમાં ડૂબી ગઈ. આ પાણીના અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ગુમ થયાના અહેવાલ છે. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી.
નાઇજીરીયાની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના અધિકારી હુસૈની ઇસાહે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે નાઇજીરીયા રાજ્યના બોર્ગુ વિસ્તારમાં આ ઓવરલોડેડ બોટ એક ઝાડના થડ સાથે અથડાઈ હતી. બોટમાં લગભગ ૯૦ લોકો સવાર હતા. ઇસાહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી, કારણ કે શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
વરસાદની ઋતુમાં નાઇજીરીયાના દૂરના વિસ્તારોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ વધુ પડતો ભાર, નબળી જાળવણી અને સલામતીના પગલાંનો અભાવ છે. વિશ્લેષકો કહે છે કે આમાંની ઘણી બોટ લાઇફ જેકેટ વિના ચાલે છે. ગયા મહિને પણ દેશના ઉત્તરપશ્ચિમ સોકોટો રાજ્યમાં બોટ પલટી જવાની ઘટનામાં ૨૫ લોકો ગુમ થયા હતા.






































