દિવાળી અને તહેવારો દરમિયાન અમદાવાદ શહેરમાં જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ અને બેંકોની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે ખાસ આયોજન શરૂ કર્યું છે. આ મુદ્દે ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ ઉપરાંત જ્વેલર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ, આંગડિયા પેઢીના સંચાલકો તેમજ બેંક અધિકારીઓ હાજર રહ્યા હતા. તહેવારો દરમિયાન સોના-ચાંદીના વેપાર અને રોકડની અવરજવર વધતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જ્વેલર્સ અને વેપારીઓને તેમની દુકાનો તથા સંવેદનશીલ સ્થળોએ લગાવવામાં આવેલા CCTV કેમેરા અને સેફ્ટી એલાર્મ કાર્યરત છે કે નહીં તેની નિયમિત ચકાસણી કરવા અપીલ કરી હતી. લોકર્સ અને સંવેદનશીલ વિસ્તારોની આસપાસ પોલીસ દ્વારા સિવિલ ડ્રેસ તેમજ યુનિફોર્મમાં પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવશે. મોટા જોખમની સ્થિતિ ઊભી થાય તો સ્થાનિક પોલીસ દ્વારા વેપારીઓને સુરક્ષા અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
દિવાળી દરમિયાન જ્વેલર્સ અને આંગડિયા પેઢીઓમાં થતી અવરજવર અને વ્યવહારોને ધ્યાનમાં રાખીને ગુનેગારો તથા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવશે. શંકાસ્પદ હિલચાલ સામે તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરના અલગ-અલગ મહત્વના પોઇન્ટ પર ૭ હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
આ ઉપરાંત હોક સ્ક્વોડ અને હથિયારધારી પોલીસકર્મીઓ પણ વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રહેશે. બજારો, જ્વેલર્સ વિસ્તારો, આંગડિયા પેઢીઓ અને અન્ય મહત્વના સ્થળોએ પોલીસની ખાસ નજર રહેશે. તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને વેપારી પ્રવૃત્તિમાં વધારો થતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વેપારીઓ તથા નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.








































