વિદેશી દારૂના ૭ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અને વિતેલા ૧૬ વર્ષમાં ૬૫થી વધુ ગુના આચરી ચૂકેલા રીઢા ગુનેગાર અને ફરાર આરોપી યાકુબ મુસા મોટાણીની રાજકોટ પીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી છેલ્લા ચાર વર્ષથી દાદરા અને નગર હવેલી ખાતે ભાડાના મકાનમાં રહીને વાઇન શોપમાંથી દારૂ ખરીદી ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ પહોંચાડતો હતો. દારૂની હેરાફેરી માટે તેણે જીએસટી ઇન્વોઇસ મેનેજર એપ્લિકેશનનો ઉપયોગ કરી બોગસ બિલ બનાવવાની અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલા ચોંકાવનારા તથ્યો મુજબ, આરોપી યાકુબ મોટાણી મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખોટા જીએસટી ઇન્વોઇસ અને બિલ્ટી તૈયાર કરતો હતો. આ બોગસ દસ્તાવેજાના આધારે તે લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ અને એસીપીએલ ટ્રાન્સપોર્ટ જેવી પેઢીઓ મારફતે દારૂના પાર્સલ રાજકોટ મોકલતો હતો. પોલીસે છેલ્લા પાંચ દિવસ દરમિયાન આ ટ્રાન્સપોર્ટ કંપનીઓ મારફતે આવેલા દારૂના જથ્થાને ઝડપી પાડીને આ આખા નેટવર્કનો ખુલાસો કર્યો છે.
તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આરોપી બિલ્ટીમાં સાચા નામોને બદલે નકલી ફર્મ અને એજન્સીઓના નામોનો ઉપયોગ કરતો હતો. જેમાં એક કન્સાઇનમેન્ટમાં દમણની ‘ખુશ્બુ બ્યુટીકેર’ અને બીજા કન્સાઇનમેન્ટમાં બીટી બીગ બજાર નામનો મોકલાવનાર તરીકે ઉપયોગ થયો હતો. જ્યારે રાજકોટમાં દારૂનો જથ્થો મેળવવા માટે એક કેસમાં ‘ઉમિયા એજન્સી’ અને બીજા કેસમાં ‘મેન્સન ઇન્ડસ્ટ્રીઝ’ના બોગસ નામો દર્શાવવામાં આવ્યા હતા. આરોપી ટ્રાન્સપોર્ટમાંથી મેળવેલી બિલની કોપી રાજકોટના રિસીવરને મોકલતો, જેના આધારે રિસીવર ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી માલ છોડાવી લેતો હતો.
પીસીબીની ટીમે આરોપીની અટકાયત કરી તેની પાસેથી કુલ ૮ અલગ-અલગ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસને આશંકા છે કે આ મોબાઈલ્સમાંથી દારૂના કાળા કારોબાર, બોગસ દસ્તાવેજા અને નેટવર્ક સાથે જાડાયેલા અન્ય ગ્રાહકો તથા રિસીવરો અંગેના અનેક મહત્વના પુરાવા મળી આવશે. હાલમાં પોલીસ ટ્રાન્સપોર્ટ પેઢીઓની ભૂમિકા અંગે પણ ઊંડાણપૂર્વક સઘન તપાસ ચલાવી રહી છે અને જા તેમની પણ કોઈ બેદરકારી કે સંડોવણી ખુલશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.