જનશક્તિ જનતા દળને બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઉમેદવાર વીણા માનવીના ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવ્યા છે. ઉમેદવારી પત્રો નામંજૂર થયાની માહિતી મળતાં, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ પટના કલેક્ટર કચેરી પહોંચ્યા અને સમગ્ર મામલાની પૂછપરછ કરવા માટે રિટ‹નગ ઓફિસરને મળ્યા.
રિટ‹નગ ઓફિસર સાથે મુલાકાત કર્યા બાદ, તેજ પ્રતાપ યાદવે મીડિયાને જણાવ્યું કે તેમના પક્ષના ઉમેદવાર વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે વીણા માનવીના ઉમેદવારી પત્રને જાણી જાઈને નકારી કાઢવામાં આવ્યું છે. તેજ પ્રતાપે કહ્યું કે તેમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓ આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું, “અમે કોર્ટમાં જઈશું અને કાનૂની લડાઈ લડીશું. અમારા ઉમેદવાર સાથે અન્યાય થયો છે અને અમને ચોક્કસપણે ન્યાય મળશે.”
અહેવાલો અનુસાર, વીણા માનવીએ ૧૩ જુલાઈના રોજ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે જનશક્તિ જનતા દળ વતી પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. ત્યારબાદ, પટના પોલીસે તેમની જૂના કેસમાં ધરપકડ કરી હતી. તેમના સમર્થકોએ તેમની ધરપકડના વિરોધમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, મોડી સાંજે કોર્ટે તેમને જામીન આપી દીધા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વીણા માનવીએ તેમના નામાંકન સાથે રજૂ કરેલા સોગંદનામામાં તેમના વિરુદ્ધ નોંધાયેલા ફોજદારી કેસ વિશે માહિતી જાહેર કરી ન હતી. આ કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વીણા માનવીને ૨૦૦૯ના એક કેસમાં (૮૩૭/૨૦૦૯) કોર્ટ દ્વારા પહેલાથી જ જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ સોગંદનામામાં આ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ચૂંટણી અધિકારીઓએ આ આધારે તેમનું નામાંકન નકારી કાઢ્યું.