છોટાઉદેપુરના કવાંટના ખાટિયાવાંટ ગામે સગા ભાઈએ ભાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બોલાચાલી બાદ ભાઈએ ભાઈની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. આમ લોહીના સંબંધોમાં જ લોહી વહ્યુ હતુ. પોલીસે આરોપી બળવંત રાઠવાની તાત્કાલિક ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી બળવંત રાઠવાની ધરપકડ કરીને તેનું રીકન્સ્ટ્રકશન કર્યુ હતુ. પિતાના પેન્શનને લઈને બળવંત રાઠોડનો ભાઈ વિજય રાઠવા સાથે ઝગડો થયો હતો. તેના કારણે ત્રણ ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેના પછી હુમલો કરવામાં આવ્યો હતો. લાકડી વડે હુમલો કરવામાં આવતા વિજય રાઠવાનું મોત નીપજ્યું હતું.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેની ફોરેન્સીક તપાસ પણ થશે. આ ઉપરાંત મૃતક અને આરોપી બંનેના મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે. આ સિવાય સગાવહાલાઓની અને તેમના મિત્રોની જુબાની પણ લીધી છે. તેના પરથી આખા બનાવનો તાગ મેળવ્યો છે અને હત્યા પાછળનો ઇરાદો પણ શોધી કાઢ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ હત્યા પૂર્વનિયોજિત ન હતી, આરોપી બળવંત રાઠવાએ ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈ જઈને હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરતુ પોલીસની ત્વરિત કાર્યવાહી અને નજીકના વિસ્તારોની નાકાબંધી તથા બાતમીદારોની મહેનતના પગલા આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો હતો. પોલીસના ઝડપી પગલાંએ એક ગુનેગારને તરત જ જેલભેગો કર્યો હતો. તેની સાથે પોલીસે સ્થાનિકોને પારિવારિક વિવાદો સાથે બેસીને સમજૂતીથી ઉકેલવાની સલાહ આપી હતી. આ રીતે હિંસા કરવાથી છેવટે કુટુંબ જ વીખરાય છે તેમ જણાવ્યું હતું.