મૂળ ચલાલાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા ડો. રાધિકા મહેતાની સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ચિત્રકારોના પ્રદર્શનમાં રાજગોર જ્ઞાતિના એકમાત્ર કલાકાર તરીકે પસંદગી થઇ છે. ડો. રાધિકા મહેતાએ કોઈપણ ઔપચારિક તાલીમ લીધા વિના ચિત્રકલાના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર જ્ઞાતિનું નામ રોશન કર્યું છે. ડો. રાધિકાના પિતા હિંમતભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, તેમની દીકરીમાં રહેલી કલા કોઈ વર્ગો કે ટ્યુશનની દેન નથી, પરંતુ કુદરતી બક્ષિસ છે. સ્ત્રીઓની ૬૪ કલાઓ પૈકી કોઈપણ કલા માત્ર એકવાર નજરે નિહાળીને તે જાતે જ આત્મસાત કરી લેવાની શક્તિ ડા. રાધિકા ધરાવે છે. ચિત્રકામ હોય, મહેંદી હોય કે રંગોળી આ તમામ કલાઓમાં તેમણે અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના નામાંકિત ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં અસંખ્ય એન્ટ્રીઓમાંથી ખૂબ જ મર્યાદિત અને શ્રેષ્ઠ ચિત્રકારોની પસંદગી થઇ હતી. આ પ્રદર્શનમાં તેઓ રાજગોર જ્ઞાતિના એકમાત્ર પ્રતિનિધિ તરીકે પસંદ થયા છે.








































