ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જારદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે વહેલી સવારથી વધુ ૩૧ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. સુરત જિલ્લાના કામરેજમાં સૌથી વધુ અંદાજે ૨ ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે.
લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાકે, નવસારી જિલ્લામાં શરૂઆતના વરસાદ બાદ ફરી વરસાદ ખેંચાતા ડાંગરના પાક અંગે ખેડૂતોમાં ચિંતા યથાવત છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની શક્યતા રહેશે. ખાસ કરીને રથયાત્રાના દિવસે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા તેમજ જાવંત્રી, પાણીકોઠા, વડાલા જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
પાટણ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી વરસાદની રાહ જાવાઈ રહી હતી. ગત મધરાત્રિ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાટણ શહેરમાં ૧૭ મિમી, સરસ્વતી તાલુકામાં ૨૫ મિમી, સમીમાં ૪ મિમી, હારીજમાં ૨ મિમી અને ચાણસ્મામાં ૧ મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદથી પાકને પણ રાહત મળી છે.
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સિઝનનો કુલ વરસાદ આશરે ૫ ઇંચ સુધી પહોંચી ગયો છે. ખેડા જિલ્લામાં તેમજ નેશનલ હાઈવે-૪૮ પર ભારે વરસાદને કારણે વાહનચાલકોને ઓછી વિઝિબિલિટીનો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લીના મોડાસા અને માલપુર વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે.
રાજ્યના વરસાદના આંકડા દર્શાવે છે કે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ ૧૬૨.૮ મિમી (૬.૪૨ ઇંચ) વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન આશરે ૨૨૬.૧ મિમી વરસાદ થવો જાઈએ, એટલે કે હાલ રાજ્યમાં સરેરાશ કરતાં લગભગ ૨૮ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા ખેડૂતો અને વહીવટી તંત્ર બંને રાખી રહ્યા છે.






































