૧૪ મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થયો. દસ દિવસ સુધી ગણેશજીના સ્થાપનથી માંડીને વિસર્જન સુધીની પ્રક્રિયા થતી હોય છે.શિવ અને પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન દ્વારા આધ્યાત્મિક અને શુભ કાર્યો તેમના સ્મરણ સાથે માંગલિક પ્રસંગો શરૂ થતા હોય છે. ગણેશ સ્થાપનથી ઘરની અંદર આધ્યાત્મિકતાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ.
૧૮૯૩ માં મહારાષ્ટ્રની અંદર બાળ ગંગાધર ટિળકે અંગ્રેજો સન્મુખ ભારતીયને એક કરવા માટે ગણેશપર્વની શરૂઆત કરી હતી. આધ્યાત્મિકતાના પ્રસંગે ભારતીય લોકોને એકત્ર કરી તેમની અંદર રાષ્ટ્રવાદની ભાવના તેમજ દેશને આઝાદ કરવાની જીજીવિષા ઉભી થાય તે ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં થઈ હતી. ટિળકે કહ્યું હતું કે “સ્વરાજ્ય મારો જન્મ સિધ્ધ અધિકાર છે તે હું મેળવીને જ રહીશ.” શિવાજીએ સ્વરાજ્ય માટે મુઘલો સામે લડત ચલાવી હતી. દેશમાં પોતાનું જ રાજ્ય હોવું જોઈએ. તેથી વિદેશી શાસનને ઉથલાવવા માટે એકતા અનિવાર્ય છે. એકત્ર થયેલા મહારાષ્ટ્રના લોકોમાં રાષ્ટ્રવાદ પ્રબળ બનાવવા માટે આધ્યાત્મિકતાની સાથે રાષ્ટ્રવાદનો પાયો ટિળકે નાખ્યો.
એક વખત પર્વ શરૂ થવાથી દર વર્ષે તેની પરંપરા મુજબ ગણેશ ઉત્સવ ૧૮૯૩થી શરૂ કરીને આજ સુધી ભારતમાં વિવિધ રાજ્યોમાં સારી રીતે ઉજવાઈ રહ્યો છે. માનવ શરીરમાં જીવ અને શિવ બંને છે ત્યારે જ ઈશ્વરનો વાસ્તવિક હેતુ સમજી શકાય છે.કુદરત સર્વોપરી છે.તેની લીલા અપરંમપાર છે.સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા છે.ગણેશ ભગવાનમાંથી એટલું તો આપણે શીખીએ કે મા બાપ ભગવાન છે. તેમને તેમની પ્રદક્ષિણા કરી અને સમાજને મેસેજ આપ્યો કે માં બાપ ભગવાન છે.
કવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. પરંતુ ઉત્સવોમાં અતિરેક આવી જાય ત્યારે તેનું મૂલ્ય ઘટે છે. જેને સર્જન કર્યું છે એનું વિસર્જન હોય?ગણેશજીની પ્રતિમા તમે ઘરે લાવીને દસ દિવસ સુધી પૂજા, અર્ચના, થાળ, દીવા, આરતી અને પ્રસાદ બધું જ કરીએ છીએ. આખો બંધ રાખી ગણેશજીને કહીએ છીએ કે તું વિઘ્નહર્તા છે. આખી
પૃથ્વીનું કલ્યાણ કરજો એ જ વિઘ્નહર્તાને આપણે નદીના પાણીમાં ડુબાડીને શું સિધ્ધ કરવા માગીએ છીએ? તે જ સમજાતું નથી. મારા ઘરમાં પણ ગણેશ સ્થાપન કરેલું તાબાની મૂર્તિ અને તેની ૩૬૫ દિવસ પુજા, અર્ચના થાય છે. ગણેશજી તો અત્ર, તત્ર અને સર્વત્ર છે. તેની પ્લાસ્ટર ઓફ પેરિસની કેમિકલ યુક્ત મુર્તિઓ બનાવીને પાણીમાં રહેલા અનેક જીવોને મૃતપ્રાય અવસ્થા સુધી પહોંચાડવાનું કામ કરવું કે કેટલા અંશે યોગ્ય છે? ગણેશજીની વિશાળ મૂર્તિઓનું સ્થાપન કરવું અને પછી તેનું વિસર્જન કરવું એટલે કે પર્યાવરણનો બગાડ કરવો. આપણામાં તો અહિંસાનો ભાવ હોવો જોઈએને? માટીની મૂર્તિ હોય તેને ઘરે રાખીએ તેની દરરોજ પૂજા કરીએ, શાસ્ત્રોચાર પ્રમાણે શ્લોક બોલીએ પરંતુ આ બધું કરવા છતાં પણ અંદરનો પડેલો દાનવ જીવંત હશે તો ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે નહીં. માનવને માનવ બનવાની કેળવણી ગણેશજીના વ્યક્તિત્વ માંથી પ્રાપ્ત થશે. દુદાળા ગણેશ દુનિયાના દુઃખ પોતાના પેટમાં ભરી લે છે એટલે વિઘ્નહર્તા કહે છે. આપણે તો ગણેશજીની પૂજા કરીએ અને અડધો કલાક પછી કોકનું કરી નાખીએ એવી પૂજાનો કોઈ અર્થ ખરો? ગણેશજીના વિસર્જન વખતે ટ્રાફિક નિયમન, કોઈક બીમાર વ્યક્તિ દવાખાને સમયસર ન પહોંચે તેવી અવ્યવસ્થા આ બધું આધ્યાત્મિકતાના સાથે વ્યવહારુ બુધ્ધિ અનિવાર્ય છે. કોઈકને નડવું અથવા અડચણરૂપ બનવું એ જ મોટું પાપ છે.
ઘર કે મહેલ બનાવીએ છીએ તો ગણેશજીના સ્થાપનથી શુભ કાર્યો શરૂ કરીએ છીએ. તો શા માટે દુકાનમાં કે શોરૂમમાં આપણે ખરાબ ચીજવસ્તુ ભેળસેળવાળી તેમજ અન્ય નુકસાનકારક ચીજવસ્તુ વેચીને ગણેશના નામે પાપ કરી રહ્યા છે.? આધ્યાત્મિકતાના નામે એટલો બધો વ્યભિચાર થઈ રહ્યો છે જેની કોઈ સીમા નથી. ગણપતિ વિસર્જન હોય જ નહીં જે આખી સૃષ્ટિનું સર્જન કરી શકતા હોય તેને તમે પાણીમાં ડબોડી દો તમારું ક્યારેય કલ્યાણ કરશે? તેમને તો હૃદયમાં રાખો અને પૂજા શરૂ કરો પછી જુઓ તમારી કેટલી બધી પ્રગતિ થાય છે. સૌ મારા વાચક મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. થાય એટલા માનવતાના શુભ કાર્યો કરવા કટિબધ્ધ બનીએ. એજ ગણેશ ચતુર્થી છે. ગણેશ વિસર્જન… ગણપતિ બાપાને હૃદયમાં રાખી એ જ વિસર્જન.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨











































