વિદ્યાર્થીઓમાં નવી ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ અને રસ વધે તેવા ઉમદા હેતુ સાથે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્કૂલ ખાતે ‘વર્ચ્યુઅલ રિયાલિટી’ (ફઇ) ૩ડ્ઢ શોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આધુનિક શૈક્ષણિક પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને જટિલ વિષયો અત્યંત સરળ, જીવંત અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ હાઈ-ટેક વીઆર ગિયર દ્વારા અવકાશયાત્રા, જળચર સૃષ્ટિ, વૈજ્ઞાનિક પ્રયોગો અને પ્રાચીન ઇતિહાસનો સજીવ અનુભવ કર્યો હતો, જેનાથી તેમની કલ્પનાશક્તિ અને પુસ્તકીય જ્ઞાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના સર્વાંગી શિક્ષણના સ્વપ્નને સાકાર કરવા માટે આવા ટેક્નોલોજી આધારિત કાર્યક્રમો ખૂબ જ અનિવાર્ય છે. ભવિષ્યમાં પણ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે આવા નવતર પ્રયોગો ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ભોજનાલયથી લઈને નિવાસ સુધીની તમામ વ્યવસ્થાઓ સુચારૂ અને અલગ રાખવામાં આવી છે. રવિવારે આયોજિત મોટિવેશનલ કાર્યક્રમો અને ફિલ્મ શો દ્વારા પણ વિદ્યાર્થીઓના માનસિક વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા આ સફળ આયોજન બદલ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.