કોડીનારમાં વ્યાજખોરી વિરોધી અભિયાનના પ્રારંભ સાથે લોકદરબારમાં મળેલી અરજીઓની ચકાસણી બાદ પાંચ કેસમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોડીનાર ટાઉનમાં વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કર્યાનો મામલો સામે આવ્યો છે. સુગર ફેક્ટરીના ગેટ પાસે દુકાન ધરાવતા રીપલસિંહ બારડને અઢી વર્ષ પહેલાં સારવાર માટે નાણાંની જરૂર હોવાથી મિતીયાજના નરેશભાઈ દાહીમા પાસેથી રૂ.૧ લાખ લીધા હતા. બદલામાં કોરો ચેક આપી માસિક ૫ ટકા વ્યાજ નક્કી થયું હતું. વેપારીએ ફોન-પે અને રોકડથી કુલ રૂ.૧.૨૦ લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.૧.૬૦ લાખની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ દુકાને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોરા ચેકમાં રૂ.૪.૮૦ લાખ ભરી તેનો ફોટો વોટ્‌સએપ પર મોકલાયો હતો. આ અંગે કોડીનાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.