સાંજનો સમય હતો મંદ મંદ શીતળ પવન વાઇ રહ્યો હતો. વિહંગો તેના માળા તરફ કલરવ કરતાં પાછાં ફરી રહ્યા હતાં અને હું પણ વન વાવેતરનું ફેરણુ કરી પરત આવી રહ્યો હતો. મહોર નદીનો પુલ વટાવી કપડવંજના અંતિસર દરવાજેથી જમણી બાજુ વળી બસસ્ટેન્ડના ખુણે આવેલ ત્રિભેટે પહોંચતાં
સ્ટાફના સાથીઓની મોટરસાયકલ જોતાં જરા થોભ્યો તો ખબર મળ્યા કે કાલે સવારે અમદાવાદથી વન સંરક્ષક સાહેબ રેંજની કામગીરીઓનું નિરીક્ષણ કરવા આવી રહ્યા છે તે અંગે વિશેષ સૂચનાઓ નાયબ વન સંરક્ષક નડિયાદ પાસેથી લઈ પરિક્ષેત્ર વન અધિકારી બી. બી. પટેલ આવી રહ્યા છે તેમની અમારે સૌએ પ્રતિક્ષા કરવાની છે. તેથી હું પણ ત્યાં રોકાયો.
સાથી કર્મચારીઓ વચ્ચે સો-મીલના હપ્તાની વાત ચાલતી હતી. ઝાલા અને પરમાર મક્કમ હતા કે નક્કી થયેલ રકમ લેવી. જ્યારે પગી અને ત્રિવેદી કંઈક બાંધછોડ કરવી પડે તો તે માટે સંમત હોય એમ લાગતું હતું. મારો શું મત છે તે જાણવા મને પણ પુછ્યું પરંતુ હું કંઇ જવાબ આપું તે પહેલાં પરિક્ષેત્ર વન અધિકારી પટેલ આવી પહોંચ્યા એટલે અમારી વાત અધુરી રહી
આવતી કાલે વન સંરક્ષક સાહેબની મુલાકાત દરમિયાન કયાં વાવેતરો અને રોપ ઉછેર કેન્દ્ર ખાતે કેટલા વાગે કોને ક્યાં ઉપસ્થિત રહેવાનું છે. તેની ચર્ચા થઈ. તે પછી તેઓ જતા રહેતાં મેં કહ્યું કે, હું નીકળું છું ત્યારે ત્રિવેદીએ કહ્યું કે અમારી સાથે આવો, મેં ઝાલા તરફ જોતાં તેણે કહ્યુ કે તમારું ત્યાં કામ નથી. અમારી ખાવા પીવાની પાર્ટીમાં તમારું કંઇ કામ નથી. એટલે તેઓ બધા સો-મીલ તરફ ગયા અને હું ટાઉનહોલથી ડાબે વળી ઘર તરફ આવ્યો.
ઘેર આવી બાળકો સાથે થોડી વાર વાતો કરી જમવા બેઠો ત્યાં તો મારા પત્રકાર મિત્રનો નીચે અવાજ સંભળાયો. શ્રીમતીજીએ ગેલેરીમાં જઈ જોયુ. મિત્ર રમેશ દેવે કઇંક રઘવાટમાં પુછયું “ભાઇ છે ?’. “હા, જમવા બેઠા છે, ઉપર આવો ને…..” હાશકારા સાથે તે ઉપર આવ્યા. પછી મને કહે કે, તમને જોઈ
ને શાંતિ થઈ. હું કાંઇ સમજયો નહી. તેથી પુછયું “કેમ એવું તે શું થયુ ?’. “સો-મીલ માં એ.સી.બી. ની રેડ પડી છે. ફોરેસ્ટનો બધો સ્ટાફ પકડાઇ ગયો છે. એમ જાણ્યું એટલે મને તમારી િંચતા થઈ,
રમેશભાઇએ કહ્યું “તમે ત્યાં ગયા ‘તા?” મેં પુછ્યું “હા,પણ ત્યાં સો-મીલના દરવાજા બંધ કરી દીધા છે. અંદર કોઈને જવા દેતા નથી.” તેમણે ફોડ પાડયો. “દોસ્ત, તમે તો પત્રકાર છો આંતરિક વર્તુળોમાંથી ઘણી બધી વિગતો કઢાવી શકો.” મેં કહ્યું. “તમારી વાત સાચી છે. મારા એ પ્રયત્નો ચાલુ જ છે. મારી જાણકારી મુજબ ફોરેસ્ટનો તમામ સ્ટાફ સપડાઇ ગયો છે. તેથી હું અહીં દોડી આવ્યો. તમે આ બાબતે કંઇ જાણો છો.”
“વધુ તો નહી પણ એટલી વાત થયેલ કે એ લોકોએ દારુ અને નોનવેજની પાર્ટી રાખેલ છે તમે તો જાણો જ છો કે હું રહ્યો શુદ્ધ બ્રાહ્મણ” મે ચોખવટ કરી
“તમારા સંસ્કારોએ જ તમને બચાવ્યા” રમેશ દેવે કહ્યુ “ભાઇ સંસ્કાર એજ આપણી સાચી મુડી છે, તમે આવ્યા છો તો બે ઘડી નિરાંતે બેસો, હું ચ્હા બનાવી લાવું છું” શ્રીમતીજીએ કહ્યુ, ને તે રસોડામાં ચાલ્યા ગયાં અમે બે મિત્રો વાતો કરતા બેઠા. બીજા દિવસે સવારના બધાં જ અખબારોમાં મોટી હેડ લાઇન સાથે આ સમાચાર છપાતાં જંગલ ખાતામાં હડકંપ મચી ગયો.
તપાસ કરતાં ખબર પડી કે એ.સી.બી.ના માણસો સો-મીલમાં લાકડાંના ઢગલાઓ પાછળ અગાઉથી આવી સંતાઇને બેસી ગયા હતા. પંચ તરીકે લાવેલ માણસ હાજર હતો. નક્કી થયેલ રકમની નોટો આપતાં ચારે જણાએ નોટોની થપ્પીઓને લઈ એક એક કરી નોટોની ગણતરી કરી તે દરમિયાન નોટો પર તેમની આંગળીઓની છાપ આવી ગઇ. સાક્ષી તરીકે આવેલ વ્યકિતએ ઇશારો કરતાં એ.સી.બી.ના અધિકારીઓએ છાપો મારી બધાને ઝડપી લીધા તે
પછી એ લોકોએ આખી રાત નિવેદનો લીધાં અને ઝીણવટભરી આકરી પૂછપરછ કરી. છેક સવારે ઘેર જવા દીધા. પણ પછી સવારે આઠ વાગ્યે દરેકના ઘેર અચાનક રેડ પાડી. કેટલાક દસ્તાવેજો, બેંકોની પાસબુકો, સોના ચાંદીના દાગીના, ઇલેક્ટ્રોનિક્સ સાધનો બધાનું લિસ્ટ બનાવ્યું તેમજ તેનાં બિલો માગ્યાં. તેમજ આજુબાજુના પાડોશીઓની પણ પૂછપરછ હાથ ધરી. તે સાંજ સુધી ચાલ્યું. આ તરફ સમાચાર જાણતાં વન સંરક્ષક સાહેબનું ઇન્સ્પેક્શન મુલતવી રહ્યું.
તે દરમિયાન આ મુદ્દે નિષ્ણાંતોનું માર્ગદર્શન લેવામાં આવ્યુ. રાતના અંધારામાં બીજો દાવ ખેલવામાં આવ્યો. મોટી રકમની લેવડદેવડ થયાનું જાણવા મળ્યું જેના પરિણામ સ્વરૂપે સરપાવની જેમ બધાની બદલી તેમના વતનમાં થઈ. આ વાત જાણતાં નવાઇ લાગે પણ એ હકીકત હતી કે તે લોકો તો છૂટા થઈ ગયા.
પરંતુ તે પછી જેને અહીં મુકતા હતા તે હાજર જ થતા ન હતા. મારુ વલણ તો પહેલાથી સ્પષ્ટ હતું. કાયદેસર કાર્યવાહી કરવી. તે લોકો એક વખત સમાધાન માટે આવ્યા પણ મેં ઇનકાર કરી દીધેલો. એક માસના ટૂંકા ગાળામાં દંડ પેટે ડિપોઝિટની વસુલાત એક લાખને પાર થતાં લાકડાંની આવક ઘટી ગઈ
હતી. તેથી એક સાથે ટ્રેક્ટરો લાવી ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. નનામા ફોન દ્વારા બદલી કરાવી નાખવાની ધમકી પણ અપાઇ હતી. છતાં મેં મચક નહીં આપતાં ત્રણ દિવસની હડતાલનું એલાન કરવામાં આવેલ. તે દરમિયાન એક એવી વિગત ધ્યાનમાં આવી કે કેટલીક
સો-મીલોના લાયસન્સ હતાં જ નહી જ્યારે અમુકે રીન્યુ કરાવ્યા ન હતા. તેમને નોટિસ ફટકારવામાં આવતાં હડતાલનો ફિયાસ્કો થઈ ગયો. જ્યારે બીજી તરફ તેઝ ગતિએ કાર્યવાહી ચાલી રહી હતી. જે તેમને અકળાવનારી બની રહી હતી. એ.સી.બી. ના કેસમાં તારીખો પડી હતી.
આ કેસનો ચુકાદો વીસ વર્ષે આવ્યો. જેમા કોર્ટે તમામને નિર્દોષ છોડી દીધા પણ તે પહેલા કુદરતે પોતાનો ન્યાય આપી દીધો. તેથી કોર્ટનો ચુકાદો સાંભળવા માત્ર બે જણ રહયા હતા કારણ કે વીતેલા વીસ વર્ષ દરમિયાન પ. વ. અ. બી.બી.પટેલ કેન્સરથી, પગી હાર્ટ એટેકથી જ્યારે ઝાલા મોટરસાયકલ અકસ્માતમાં આ દુનિયા છોડી ચૂક્યા હતા. ઐસા ભી હોતા હૈ.