રેન્જ કચેરીએ પહોંચ્યો ને જોયું તો આશ્ચર્ય થયું. તાલુકાના સામાજિક કાર્યકરો, સરપંચો, આગેવાનો અને ખેડૂતો બહોળા પ્રમાણમાં એકઠા થયેલા હતા. વાતાવરણ જરા ઉગ્ર જણાતું હતું. મોટરસાયકલ પાર્ક કર્યું તો બધા દોડી આવ્યા અને મને ઘેરી વળ્યા. “સાહેબ તમે પાછા આવી ગયા એ સારું થયું છેલ્લા ઘણા દિવસથી કોકડું ગુંચવાયું છે તેનો કંઇક રસ્તો કાઢવો પડશે.” “પણ હું હજું આવું જ છું, વાત શું છે તે મને સમજવા તો દો.” “બીજું શું હોય, આ રોઝડાંનો પ્રશ્ન, અમારાં ખેતર ભેળાઇ ગયા.” એક યુવાને ઉતાવળા થતાં ઉગ્રતાથી કહ્યું “અમે નોંધારા થઈ ગયા. તમારા આ જંગલી પ્રાણીઓને લઈ જાવ.” આગેવાન જેવા આધેડ એક ભાઈ બોલી ઉઠયા. “બધું થઈ રહેશે તમે જરા શાંત પડો.” મેં સમજાવવા અને તેમની વાત સમજવા પ્રયાસ કર્યો. સમગ્ર વાતનો તાગ કઢતાં મેં કહ્યું “આ તમારો કે મારો પ્રશ્ન નથી સમગ્ર રાજ્યમાં આ સમસ્યા ઘેરી બની છે. તેથી ટૂંક સમયમાં તેનું યોગ્ય નિરાકરણ આવશે. ત્યાં સુધી આપણે વચગાળાનો માર્ગ અપનાવવો પડશે.” “એ વળી શું?” “આપણા ખેતીના પાકને બચાવવા ખેતર વચ્ચે ચાડીયા ઉભા કરવા, ડબ્બા, થાળી ખખડાવવા, પીપુડાં વગાડવા, ફટાકડા ફોડવા, રાતે મશાલો સળગાવવી, દિવસે ગોફેણોથી નીલગાયોને ભગાડવી જેવા ઉપાયો કરવા પડશે.” મેં કહ્યું “એ આ બધું તો કરીએ જ છીએ, પણ રંજાડ હવે ખૂબ વધી ગઈ છે.” બેટાવાડાના સરપંચ બોલ્યા. નીરમાલી અને વ્યાસવાસણાના આગેવાનો અને સરપંચો પણ આ મુદ્દે ગુસ્સામાં હતા.
આ યક્ષ પ્રશ્ન સમગ્ર રાજ્યવ્યાપી હતો. તે અંગે ઉપલી કક્ષાએ રજૂઆતો થઈ હતી અને ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા જણાતી હતી. કેમકે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ નીલગાય
શીડયુઅલમાં આવતું પ્રાણી છે. હજુ થોડા દિવસ પહેલાં જ ચોટીલાથી મારી માંગણી મુજબ પરત
કપડવંજ આવી ગયો હતો. રોજ સવાર સાંજ ફેરણું કરવાનું ચાલુ હતું. અમુક ખેડૂતોએ ખેતરમાં ઉભા
પાકને બચાવવા બંદૂકધારી ડફેરોને રાખ્યા હતા તે અમારા માટે ચિંતાનો વિષય હતો. તે સિવાય સીમ આખી ફટાકડા, ડબા, થાળીઓના અવાજથી ગુંજતી હતી. જે જીવંત લાગતી હતી. જો કયાંક બંદૂકની ગોળી છૂટવાનો અવાજ સંભળાય તો અમે ચોકન્ના થઈ જતા હતા. નીલગાયના ટોળાં ભાગંભાગ કરવાથી તેમજ વાડો
કુદવાથી અકસ્માત થવા ઉપરાંત એક નવી બાબત પણ ઉમેરાઈ હતી વાત્રક નદીના કોતરોમાંથી એક
દીપડાના આંટાફેરા વધી ગયા હતા. તેનાથી જાનમાલને નુકસાન થવાની ભીતિ સેવાઇ હતી તેથી દીપડાને
પકડવા પાંજરાની પણ ગોઠવણ કરવી પડી હતી. દીપડાને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે રેડિયો પર પ્રસારિત થયેલ સમાચારથી લોકોમાં ઉત્સાહની લહેરખી આવી ગઇ. સરકાર દ્વારા કેટલીક શરતોને આધીન નીલગાયના શિકારની છૂટ આપવામાં આવી હતી. બીજે દિવસે સવારે ફરી એકવાર ગામડાંઓમાંથી ટ્રેક્ટર, ગાડાં, મોટરસાયકલો જેવા જે વાહન મળ્યાં તે લઈ ખેડૂતો ઉમટી પડ્‌યા હતા.થોડીવારમાં રેન્જ ક્લાર્ક ઇદરીશ મલેક પાસે અરજીઓનો ઢગલો થઈ ગયો હતો. પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીએ નવા વન્ય પ્રાણી સંરક્ષણ ધારામાં થયેલ સુધારાનો ફેક્સ આવતાં ખેડૂતોએ પોતાના ગામના સરપંચ પાસેથી નીલગાયનો શિકાર કરવા માટે સંમતિપત્ર લાવવાનો હતો. હવે આ મુદ્દો સંવેદનશીલ બન્યો. જે સરપંચ પાસે ખેડૂતની અરજી ગઈ તેણે નકારી કાઢી. પ્રશ્ન પેચીદો બન્યો હતો. નીલગાયમાં આવતો ગાય શબ્દ વાંચતા ગૌહત્યાનું પાતક કોણ લે ? એક બે વિધર્મી સરપંચો સિવાય નીલગાયની હત્યામાં મોતના પરવાના પર સહી કરવા કોઈ સરપંચ તૈયાર ન હતા. ઘણી જગ્યાએ ખેડૂતો અને સરપંચો વચ્ચે ઘર્ષણના બનાવો બનવા લાગ્યા હતા. કોકડું બરાબરનું ગુંચવાયું હતું. સરકારે સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં એવો ઉપાય કર્યો હતો. જો કે હવે આ મુદ્દો બીજી તરફ ફંટાઈ ગયો. નીલગાયથી થયેલા ભેલાણના વળતર માટે માંગ ઉભી થઈ તેમજ જંગલના જે વિસ્તાર તરફથી નીલગાયો આવતી હતી ત્યાં ઉંચી કાંટાળા તારની વાડ લગાવવાની માંગ ઉઠી હતી તે બાબત જંગલખાતાને લાગુ પડતી હતી. જ્યારે રેવન્યુ વિસ્તારમાં
ખેતીના ઉભા પાકમાં થતા ભેલાણનો અંદાજ કાઢવા માટે તલાટી અને ગ્રામસેવકને કામગીરી
સોંપાઇ હતી. નીલગાયનો પ્રશ્ન પેચીદો બનતાં નાયબ વન સંરક્ષકશ્રી નડીયાદ પણ મુલાકાતે આવ્યા.વાત્રક નદીના કોતરોને નવસાધ્ય કરવાની યોજના હતી તે કોતરો અને ગીચ ઝાડીવાળો વિસ્તાર હતો. તેમાં નીલગાયો, વાંદરા, ઝરખ, શિયાળ જેવાં વન્ય પશુઓ મોટા પ્રમાણમાં રહેતાં હતાં. કોતરોનો કેટલોક ભાગ ઉજ્જડ થઈ ગયો હતો તેમાં છેલ્લા બે વર્ષથી આર.ડી.એફ.એલ. યોજના અંતર્ગત પ્લાન્ટેશન કરવામાં આવેલ હતું તે પહેલાં જોવાની સાહેબે ઇચ્છા વ્યક્ત કરતાં અમે એ તરફ આગળ વધ્યા. ઉંચી ટેકરીઓ અને ઉંડા કોતરોને પસાર કરતાં અમે આગળ વધતા હતા તે દરમ્યાન નદીના કાંઠા અને ટેકરીઓ વચ્ચેના કોતરોમાંથી ધુમાડા નીકળતા જોઈ સાહેબને નવાઈ લાગી “આ શું છે? આગ લાગી છે કે શુ?” તેમણે દૂર સુધી નજર દોડાવી જોયું તો થોડા થોડા અંતરે ધુમ્રસેરો ઉંચે ઉઠતી દેખાતી હતી.” “સર, આ અહીંની જી.આઇ.ડી.સી.છે.” સાહેબ ઘડીભર વિચારમાં ખોવાઇ ગયા એટલે મેં ફોડ પાડયો. “સાહેબ, આ દેશી દારુની ભઠ્ઠીઓ છે. આ વિસ્તારમાં ધંધો રોજગાર કંઇ નથી આકાશી ખેતી છે, શિક્ષણનું પ્રમાણ નહીંવત છે. પશુપાલનનો ધંધો હતો તે પણ આપણા રોડ સાઇડ, ગ્રામ વન, ખરાબાની જમીનમાં વાવેતરો થતાં ચરિયાણની જમીન ન રહેતાં આના સિવાય હવે આ ગ્રામજનો પાસે કોઈ બીજો ઉપાય નથી. અહીંથી અમદાવાદ આ માલ સપ્લાય થાય છે. આ લોકો આપણા પ્લાન્ટેશનને બિલકુલ નુકસાન પહોંચાડતા નથી. “આપણે આ બાબતે વિચારવું જોઇએ.” મેં કહ્યું, “તેમને આપણે એડવાન્સ વર્ક, વાવેતરમાં, નર્સરીમાં કામ તો આપીએ છીએ ને ?” “હા, સર પણ બારેમાસ રોજગારી તેમાંથી મળતી નથી.” આ લોકો વિશે કઇંક વિચારવું પડશે એવા સંકલ્પ સાથે સાહેબ પ્લાન્ટેશનની બહાર નીકળ્યા અને કારમાં બેસી રવાના થયા.