“આવળ, બાવળ ને બોરડી ,પાણાનો નૈ પાર”એવી પાંચાળની ભૂમિનો સાદ સાભળી સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા રેંજમાં હાજર થયે થોડા દિવસ ગયા હતા.
ચોટીલાના ડુંગરની તળેટીમાં વનવિભાગના સરકારી આવાસો હતા. અહીં આવ્યાને પહેલા દિવસોમાં ચામુંડાના મંદિરે ગયો ત્યારે ડુંગર ઉપરથી ક્ષિતિજ સુધી છવાયેલ લીલોતરીનું વિહંગમ દશ્ય જોઇ ખુશ થઇ ગયો જોકે તે આભાસી હતું. તેમાં ગાંડા બાવળનું બાહુલ્ય હતું. તે પછી તો રાજપરાની ટેકરીઓ, થાન, તરણેતર, સુરજ દેવળ, ઝરીયા મહાદેવ જેવાં અહીંના જાણીતા સ્થળો તેનું પૌરાણિક અને
સાંસ્કૃતિક ઇતિહાસની ઝાંખીથી મન પ્રસન્ન થઈ ગયું. જોકે કયાંક હતાશા અને ખેદ પણ થયો.
– સવારે વહેલા જાગી પ્રાતઃક્રિયા પતાવી હાઇવે રોડ પર નજીકમાં આવેલ હોટલે ચા પીવા જવાનો મારો નિત્યક્રમ થઈ ગયેલો. તેની સાથે આ કાઠિયાવાડમાં આવી નાસ્તામાં ગાંઠીયા સાથે તળેલાં મરચાં, પપૈયાનો સંભારો અને જલેબીના ગરમ નાસ્તાનો ચસ્કો લાગી ગયો હતો. આવી જ એક સવારે હોટલ પર બેઠો હતો ત્યારે ત્રણ ચાર માણસો બાઇક લઇ આવ્યા ને ઉભા રહયા. તેમની પાસે મોટાં બેનર હતાં તે બાંધવા લાગ્યા. તે પછી હોટલના કાઉન્ટર પર બેઠેલ માણસ પાસે આવી વાત કરવા લાગ્યા. તેણે ઇશારો કરી મને બતાવતાં કહયું, “આ સાહેબ હમણા જંગલ ખાતામાં ગુજરાતથી બદલી થતા આવ્યા છે.” તેઓ મારી પાસે આવતાં મેં પ્રયોજન પુછયું તો તેમણે કહયું કે “ સાહેબ, દર વર્ષે આ હાઇવે પર માર્ગ અકસ્માતમાં સેંકડો લોકોના
મૃત્યુ થાય છે. તેમના આત્માની શાંતિ માટે અમે દર વરસે પારાયણનું આયોજન કરીએ છીએ, તે આ વર્ષે પણ કર્યુ છે.” મેં કહ્યું “તમે જે કર્યું છે તે સારું જ છે પણ મારું માનવું છે કે દર વર્ષે અકસ્માતો જ ન થાય અને લોકોના જીવ ન જાય એવું કઇંક ન થઈ શકે?” “એવું તો શું થઈ શકે. હરિ ઇચ્છા બળવાન.” “ના, સાવ એવું નથી રોડના અકસ્માત ઝોનની તો તમને ખબર જ છે. તે વિસ્તારમાં બમ્પ બનાવી શકાય. ઇન્ડીકેટર લગાવી શકાય. વાહનોની ગતિ મર્યાદા ઘટાડવાના ઉપાયો કરી શકાય.”
આ વાત ચાલતી હતી ત્યાં એક ભાઈ ચર્ચામાં વચ્ચે કુદી પડ્‌યા, “એ કામ તો સરકારનું છે અમે શું કામ કરીએ.” તો બીજા કાર્યકર જેવા લાગતા ભાઈએ ચોખવટ કરી, “સાહેબ, સાચી વાત તો એ છે કે ધાર્મિક શ્રધ્ધાળુઓ પારાયણ માટે જોઇએ એટલા રુપિયા આપશે પણ તમે કહ્યા એવા કામો માટે એક રુપિયો નહીં આપે. મને પણ એ લોકોની વાત સાચી લાગી પણ એમ થયું કે આ કેવી ધાર્મિક માન્યતા? છેલ્લા કેટલાય દિવસથી હું ચોટીલા આવ્યો છું ત્યારથી આ ગામમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીનું જન્મ સ્થાન છે તે જગ્યા શોધું છું, જેને પુછું તે કહે છે કે અમે સાંભળ્યું છે પણ ચોક્કસ એ જગ્યા કયાં છે તે ખબર નથી. જો તમે સાચ્ચા મનથી પ્રયત્ન કરો તો ધારેલ ધ્યેયને પ્રાપ્ત કરી શકો છો. મારે પણ એવું જ બન્યું. દરરોજ સવારે પુસ્તકાલય જતો તેના લાઇબ્રેરિયનને મેં પુછતાં તેણે આ જગ્યા જોઇ હતી. તેણે મને બતાવવાની તૈયારી બતાવતાં હું મારી જાતને ધન્ય સમજવા લાગ્યો અને તે જગ્યા વિષે વિચારવા લાગ્યો. તેની ભવ્યતાની હું કલ્પના કરતો હતો.
લાયબ્રેરીનો સમય પુરો થતાં અમે બન્ને ગામમાં નીકળ્યા. જૂની પોલીસ લાઇનના ક્વાર્ટર નળીયાવાળા ખખડધજ હતાં. પીળા રંગે રંગાયેલ તે રંગ પણ ઝાંખો પડી ગયો હતો. છેલ્લા ક્વાર્ટરની નાની ઓરડી બતાવી મને લાયબ્રેરીયને કહ્યું “આ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થાન, તેમના પિતા પોલીસ ખાતામાં નોકરી કરતા હતા.” મારી કલ્પનાનો ભુક્કો બોલી ગયો. ઓરડીની ભીંતોના પોપડા ઉખડી ગયાં હતાં. બારણાંને તાળું લગાવેલુ હતું. તેને કાટ લગી ગયો હતો. બારણાનો રંગ પણ ઉડી ગયો હતો. બારણાની જમણી તરફ ફૂટ ઠ ફૂટના માપની આરસની તકતી લગાવેલ હતી. તેમાં લાલ અક્ષરે કોતરેલું હતું “રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થાન” અને જન્મ તારીખ લખેલ હતી. ઓરડીની આસપાસ કચરાના ઢગલાઓ હતા .(હાલમાં પિનાકી મેઘાણીએ સરકારમાં રજૂઆતો કરી તેમજ સ્વપ્રયત્ને આ સ્થાનનો જીર્ણોધ્ધાર કરેલ છે.) આ જગ્યાને નત મસ્તકે વંદન કરી અમે પાછા ફર્યા. લાલા રઘુનાથ લોજમાં કાઠિયાવાડી ભોજન લઈ રેંજ કચેરીએ આવ્યો.
મારો આજે નર્સરી તરફ જવાનો વિચાર હતો. ત્યાં બીટગાર્ડે આવીને કહ્યું “સાહેબ, હું નાવા જઈ આવું પછી આપણે નર્સરી તરફ જઈએ. ગ્રીષ્મનો ધોમધખતો સમય હતો તેથી મેં પણ તેની વાત સ્વીકારી લીધી.
સમય પસાર થવા લાગ્યો એક, બે—ત્રણ કલાક વીત્યા પણ મારા બીટગાર્ડનો કોઈ પતો ન હતો. મેં રેંજ ક્લાર્કને પુછયું, “અહીં પાણીની તંગી છે તેમાં આ બીટગાર્ડને ન્હાતાં આટલી વાર કેમ થઈ હશે?” આ સાંભળી રેંજ ક્લાર્ક હસી પડ્‌યો. મને આશ્ચર્ય થયું ત્યાં તેણે ફોડ પાડ્‌યો. અહીંથી પંદર કિ.મી. નાવા નામનું ગામ છે. ત્યાં આપણું પિયત પ્લાન્ટેશન આવેલું છે. તેની કામગીરી એ કરાવે છે તેથી ત્યાં ગયા છે. આ સાંભળી હું પણ હસી પડ્‌યો. જબરો છબરડો થઈ ગયો હતો.
થોડા દિવસ પછી એક બીજી ઘટના બની. ત્રણ દિવસની જાહેર રજા આવતી હોય ચોટીલાથી અમદાવાદ તરફની બસમાં બેસી કપડવંજ જવા નીકળ્યો હતો. બસ માંડ એકાદ કિલોમીટર ગઇ હશે ત્યાં જે દશ્ય જોયું તે ચોંકાવનારું હતું. કંડક્ટરને કહી બસ થોભાવી હું ઉતરી ગયો. એક જે.સી બી. મશીન અને બે ટ્રેકટરોથી રોડની બન્ને તરફ સફાઈની કામગીરી ચાલુ હતી. સ્થળ પર કોઈ જવાબદાર માણસ હાજર ન હતો. તેથી ત્રણે વાહનોની ચાવીઓ કબજે કરી કામગીરી અટકાવી કારણ કે તે લોકો પાસે વન વિભાગના વાવેતરમાં આ કામગીરી કરાવવાની કોઈ મંજૂરીના કાગળો ન હતા. તેમને રેંજ કચેરીએ આધાર પુરાવાઓ સાથે હાજર થવા જણાવ્યું. બે વર્ષ જુના પ્લાન્ટેશનમાં બાવળ, હરમો બાવળ, લીમડાના છોડ ઉગેલ ઉપરાંત કુદરતી મોટાં ઝાડ ઉગેલ તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એક વટેમાર્ગુની મોટરસાયકલ પર હું રેંજ કચેરીએ આવ્યો.
થોડીવારમાં બે મોટરકાર રેંજ કચેરીની સામે આવી ઉભી રહી. ખાદીધારી કોઇ રાજકારણી હોય તેવા બે જણ કારમાંથી ઉતરી રોફ જમાવવા બહારથી જ બુમો પાડવા લાગ્યા, “કોણે કામ અટકાવ્યું છે? સામે આવે તો ખબર પડે.” તે અંદર આવ્યા. એટલે મેં કહ્યું “કામ મેં અટકાવ્યું છે. મંજૂરીના કોઈ કાગળ હોય તો બતાવો” “મિસ્ટર, તમે મને ઓળખતા નથી, ઘડીના છઠ્ઠા ભાગમાં તમારી બદલી કરાવી નાખીશ, શું સમજયા…ચાવીઓ આપી દો.” “તો પછી રાહ કોની જુઓ છો?” મેં પણ પરખાવી દીધું, “હું આવી કોઈ ધમકીઓથી ડરતો નથી.” તે પગ પછાડી જતા રહ્યા. સ્થળ પર જઈ પંચકયાસ કરી. વાહનોના ડ્રાઈવરોના
નિવેદનો લઈ, થયેલ નુકસાનનો અંદાજ કાઢી સાધનિક કાગળો તૈયાર થઈ જતાં વાહનોને રેંજ કચેરીએ મુકાવ્યા. રોડ સાઇડ પ્લાન્ટેશનને થયેલ નુકસાનીના કેસ પેપર્સ તૈયાર કરી સુરેન્દ્રનગર ડિવિઝન કચેરીએ મોકલી ત્રણ દિવસ રજા આવતી હોઇ કપડવંજ જવા રવાના થયો.