વનરાજીથી છવાયેલ રસ્તા પર પસાર થતાં આંબા અને બાવળ તેમજ લીમડાના ઘટાદાર વૃક્ષો તેના શીતળ છાંયાનો પાલવ પસારી વટેમાર્ગુઓ અને પસાર થતાં વાહનોનું નિશદિન સ્વાગત કરવા રસ્તાની બન્ને તરફ તૈયાર ઉભા હોય તેમ ઉભેલાં દેખાય છે.ઉમરેઠથી ડાકોર વચ્ચે બાલેશ્વર મહાદેવના મંદિર નજીક જાણીતું લીમડાનું ઝાડ આવેલ છે.તેના અંગે એવી લોકવાયકા છે કે ભક્ત બોડાણો ભગવાનને તેના ગાડામાં ડાકોર લાવતો હતો ત્યારે સવાર થતાં ભગવાન રણછોડજીએ આ જગ્યાએ ગાડું થોભાવી લીમડાની એક ડાળ પકડી દાતણ કરેલ તે ડાળની કડવાશ જતી રહેલ તે અંગેનું ભજન પણ પ્રચલિત છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક સત્ય શું છે તે હંમેશને માટે રસનો વિષય રહયો છે .
દહેરાદૂનની વનસ્પતિ શાસ્ત્રીઓની ટીમ એકવાર આવેલ, તેમની સાથે મેં આ લીમડા વિષે વાત કરતાં તેમને હું જોવા લઈ ગયો .તેમણે કહેવાતી મીઠી ડાળ અને એ જ લીમડાની બીજી ડાળના નમુના લીધા.છેવટે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહયુ.તેમણે મહિના પછી રિપોર્ટ મોકલ્યો તે અનુસાર તંદુરસ્ત લીમડાની એક ડાળ રોગીષ્ટ હતી તેના લીધે તેણે પોતાનો કડવાશનો ગુણધર્મ ત્યજી દીધો હોઈ તેની એ ડાળ મોળી લાગતી હતી .જેથી આવી લોકમાન્યતા બંધાઇ હતી .જો કે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં કોઈ પુરાવાઓની જરુર હોતી નથી.
એવું પણ કહેવાય છે કે, ડાકોરનું નામ ડંક ત્રષિનો અહીં આશ્રમ આવેલ તેના પરથી પડ્‌યું છે પહેલાં અહીં ખાખરોયું વન હતું .આજે પણ અહીં
આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા ખાખરાના વૃક્ષો જોવા મળે છે અને ખાખરાના પાનમાંથી પડીયા પત્રાડાનો અહી ગૃહઉદ્યોગ ચાલે છે .અહીં આવેલ ગોમતી તળાવમાં પોયણા એક પ્રકારના કમળ જેવા નાના ફૂલો થાય છે શિંગોડા અને તાલપડી નામે જલજ વનસ્પતિનો સ્વાદિષ્ટ .મેવો અહીંની વિશેષતા છે.
દર પુનમે લાખો શ્રધ્ધાળુઓ રણછોડજીના દર્શને આવે છે .તેમને ધ્યાને રાખી ભગવાનને પ્રિય એવાં તુલસીના રોપ માટીની કુલડીઓમાં વનમહોત્સવ અંતર્ગત ભવન્સ નર્સરીમાં તૈયાર કરી વિતરણ કરેલ તેને ખુબ સારો લોક પ્રતિભાવ મળ્યો હતો .અને ‘છોડમાં રણછોડનો વાસ છે’તે વાતને લઇ એક લાખ છોડ વિતરણનો લક્ષાંક સિધ્ધ થયેલ. જેણે વન વિભાગની એક અલગ ઓળખ ઉભી કરી .લોકશ્રધ્ધા સાથે પર્યાવરણ બચાવોની વાત જોડતાં નવો
અભિગમ સાકાર થયો હતો .જેને એક મોટી સિધ્ધિ ગણી શકાય .તેની સાથે સાથે નીલગીરીના છોડના વાવેતરના ક્રેઝ વચ્ચે બીલી , આસોપાલવ, રુદ્રાક્ષ ચંદન અને કદંબ જેવા વૃક્ષોના છોડ થકી લોકોને રોપા ઉછેર માટે સંવેદના જગાવવામાં જે સફળતા મળી તેણે મારા ઉત્સાહને બમણો કરી દીધો હતો .
ખેડૂત નર્સરી ,શાળા નર્સરીની સાથે રણછોડજી મંદિરની જમીન ઉપર દેવસ્થાન નર્સરીનું આયોજન હાથ ધર્યું હતું .જે યોજના અનુસાર આગળ વધતાં રોપા મેળવવા ઉત્સુક ખેડૂતો તેમજ સમાજના બીજા વર્ગના લોકો ,સરકારી અને સહકારી સંસ્થાઓ ,શૈક્ષણિક સંસ્થાઓ વન મહોત્સવના અભિયાનમાં ઉત્સાહભેર જોડાઇ હતી .
ખાતાકીય વાવેતરોના સારાં પરિણામોને લીધે વિશ્વ બેન્કના પ્રતિનિધિ મંડળે પણ મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો . તે છતાં કઇંક એવું બન્યું જેણે દિશા બદલી નાખી એવું તે શું બન્યું ?