ખાખી ગણવેશમાં સાયકલને જોશથી પેડલ મારવાને કારણે તેને શ્વાસ ચડી ગયો હતો મારા ક્વાર્ટર પાસે આવી સાયકલને સ્ટેન્ડ પર કરતાં સલામી આપી ઝડપભેર તે બોલ્યો “સાહેબ, જલ્દી કરો આપણે ઉતાવળથી જવું પડશે “તે ગ્રામ વનનો ચોકીદાર કા’ભઇ હતો. “પણ થયુ છે શું?” “મહુડાના લીલાં લાકડાં ભરી એક ટ્રેક્ટર આવે છે.”
“ઓહ, તો વાત એમ છે.” મેં કહ્યું. યુનિફોર્મ પહેરી તૈયાર થઇ અમે બન્ને મોટરસાયકલ પર નીકળ્યા.
અંતિસર દરવાજે આવી તપાસ કરતાં ટ્રેક્ટર પસાર થઇ ગયું હતું. અમે આગળ વધ્યા (વે બ્રીજ) વાહન કાંટા પાસે તપાસ કરતાં ખબર પડી કે ધનરાજની સો મીલ તરફ ટ્રેક્ટર ગયું છે. ખરેખર ટ્રેક્ટર અંદર હતું પણ સો- મિલનો ગેટ બંધ હતો. ગેટ ખોલી અંદર પ્રવેશતાં સામે જ ટ્રેક્ટર ખાલી થઈ રહ્યું હતું તે પૈકી એક મોટી ડાળ મશીન પર લઈ વહેરવાનું શરુ કરી દેવાયું હતું.
અમે કામ અટકાવ્યું એટલે સો મીલ માલિક ધનરાજ, ટ્રેક્ટર ડ્રાઇવર અને જેના ખેતરમાંથી ઝાડ કાપી લાવેલ તે ખેડૂત બધા મારી પાસે આવ્યા. જોડતોડ કરવા, ભલામણ કરવા લાગ્યા. પણ મેં કાગળો કરવા માંડ્‌યા. પંચોને બોલાવી પંચ ક્યાસ અને આ ગુન્હા સાથે સંકળાયેલ ઇસમોના જવાબો લીધા તેમજ પંચોને સાથે રાખી મહુડાના થડ અને ડાળાંનું માપ લઈ પછી સો મીલના મશીન પર દાંતા ફરી ન શકે એ રીતે સુતરના દોરાની આંટી મારી લાખથી સીલ માર્યું તેમજ લાકડાં પર પટ્ટા માર્યા. ટ્રેક્ટરની ચાવી કબજે કરી તે દરમિયાન બીજા સો મીલ માલિકો તેમજ એસોસિએશનના પ્રમુખ કેશા રાજારામ, ધરમસીભાઇ વિગેરે આવી પહોચ્યા. ટ્રેક્ટર અને મહુડાના લાકડાં છોડાવવા બધા પોતપોતાની રીતે પ્રયાસ કરવા લાગી ગયા. પણ મેં મચક ન આપતાં
આર.એફ.ઓ.બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધવા લાગ્યા. પણ તેમણે સઘળી જવાબદારી મને સોંપી દેતાં બધા ઠંડા પડ્‌યા. મારે કરવાની કાર્યવાહી પૂર્ણ થતાં આ મુદ્દામાલ સો મીલ માલિકને સોંપી તેની પાવતી લઈ પરત આવ્યો. કા’ભઇ ને અત્યારે આવવાનું કારણ પુછતાં સુદામાની જેમ એક પોટલી કાઢી મારી સામે મુકી. “આમાં શું છે?”મારાથી પુછાઇ ગયું. તેણે પોટલી ખોલી તો તેમાં ચાંદીનાં ઘરેણાં હતાં તેણે કહ્યું, “સાહેબ, આ ઘરેણાં વેચવા જ આવતો હતો પણ મારી બૈરીએ કહ્યું કે “સાહેબ ને કહેજો જો આ દાગીના પર આપણને રુપિયા આપે તો આપણો પ્રસંગ પણ સચવાઇ જાય અને દાગીના પણ બચી જાય.
આ સાંભળી શ્રીમતી બહાર આવ્યાં. બધી હકીકત જાણી તેણે કહ્યું “કા’ભઇ આ ઘરેણા વેચશો કે
અમારે ઘેર મૂકી જશો તો પછી તમારી પત્ની પ્રસંગમાં શું પહેરશે?” આ સાંભળી કા’ભઇ ભોંઠો પડ્‌યો તે કંઇ જવાબ આપી ન શકતાં નીચું જોઈ ગયો. એટલે વાતનો દોર મારે સંભાળવો પડ્‌યો “કા’ભઇ તારે કેટલી રકમની જરુર છે.” “સાહેબ, મારે પાંચ હજારની જરુર છે. પણ ત્રણ હજાર મળે તો પણ ચાલશે.” મેં તેને પાંચ હજાર ઘરમાંથી લાવીને આપ્યા. તે ખુશખુશાલ થઈ ગયો. પેલી પોટલી ઉંચી કરી આપવા લાગ્યો ત્યારે મેં કહ્યું “કા’ભઇ તારા બહેને હમણાં શું કહ્યું તમે પ્રસંગમાં જાવ તો તારી પત્નીને ઘરેણાં જોઇએ કે નહી? તું એ લઈ જા.” તે ગળગળો થઈ ગયો. આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા. તે બોલ્યો “આ રુપિયા બે ત્રણ મહિનામાં પાછા આપું તો ચાલે. મેં કહ્યું “મજા કર, તારી સગવડે આપજે. તે નીકળવા માટે ઉભો થયો ત્યાં અંદરથી અવાજ આવ્યો “કા’ભઇને રોકજો, જમવાનું તૈયાર જ છે. અમે બન્ને જમ્યા. તે ઉભા થતાં બોલ્યો “સાહેબ, પેલા મહુડાની હું તપાસ કરતો જાઉં છું.” “ચાલ હું પણ ત્યાં સુધી આવું છું.”
અમે બન્ને સો મીલ નજીક પહોંચ્યા ત્યારે અંધારું થઈ ગયું હતું. દૂરથી સો મીલના ગેટમાંથી ટ્રક નીકળતી જોઈ. અમારું અનુમાન સાચું પડયું હતું . “હવે શું કરવું?” ઘડીભર વિચારી સો મીલની ઓફિસમાં જઈ મેં નાયબ વન સંરક્ષક સાહેબને ફોન લગાવ્યો અને આખી હકીકતથી વાકેફ કર્યા.
તે જરાક વિચારમાં પડયા હોય તેવું મને લાગ્યું પણ તરત એ બોલ્યા “હેડાઉ, તુમ ચિંતા મત કરો, ઘર જાકે સો
જાવ ઇસકો મેં દેખતા હું.” મેં પણ કા’ભઇને ઘેર જવા કહ્યું અને ઘેર આવતો રહ્યો. રાત્રે મોડે સુધી મને ઉંઘ ન આવી. સવારે વહેલી પરોઢે આંખ ખૂલે તે પહેલાં ધનરાજ અને બીજા બે ત્રણ સો મીલ માલિકો મારા પ્રાંગણમાં આવી ઉભા હતા. કંઈક તો થયું છે તેનો મને અણસાર આવી ગયો. તેઓ હવે મારી સામે કરગરતા હતા. મેં કહયું “શું થયું ? સવાર સવારમાં ..” “શું નથી થયું એ કહો. મારી સો મીલનું લાઇટ કનેક્શન, પાણીનું કનેક્શન રાત્રે જ કપાઇ ગયું છે. તમે તો જાણો છો કે મારું કુટુંબ અંદર જ રહે છે, પોલીસની મોટી વાન આવી ગઈ છે. ગેટ બંધ કરાવી દીધો છે. હું માંડમાંડ આવ્યો છુ. પોલીસે સો મીલને ઘેરી લીધી છે. અવરજવર બંધ કરાવી દીધી છે.” ધનરાજે કહ્યું. “તો હવે તેમાં હું શું કરું ?”મેં જવાબ આપ્યો. “સાહેબ, અમે જાણીએ છીએ આ જે કંઇ થયું છે તે તમારે ઇશારે થયું છે. તો હવે તેનો નિકાલ પણ તમે જ લાવી શકો.” “જૂઓ તમે મારી વાત માન્યા હોત તો હું તેનો કોઈ ઉપાય બતાવત પણ સોરી હવે મારા હાથમાં કંઇ નથી. તમારે હવે નડીયાદ જવું પડશે અને હા…. ગઈ રાતે મહુડાના લાકડાં ટ્રકમાં લઈ જઈ સંતાડયાં છે તે લઈ આવી હતાં ત્યાં મુકાવી દો.તો કદાચ તમને થોડી રાહત મળે.”એમ સમજાવી રવાના કર્યા. થોડીવાર પછી નડીયાદ ડિવિઝનમાંથી ફોન આવ્યો મારે અને આર.એફ.ઓ.ને દશ વાગ્યે સાહેબના બંગલે કેસના સાધનિક કાગળો લઈને જવાનું હતું.
બરાબર નવને ટકોરે કપડવંજથી નીકળી અમે પહોંચી ગયા. સાહેબે કાગળો જોઈ એક બે સૂચનો કર્યા અને ઓફિસે મળવા જણાવ્યું.
અમે ઓફિસે પહોંચ્યા ત્યારે સો મીલ એસોસિએશનના હોદ્દેદારો સહિત ઘણા લોકો ત્યાં ઉપસ્થિત હતા.
અમે કાગળો ઇનવર્ડમાં આપી દીધા. થોડીવારમાં સાહેબની જીપ આવી તે સીધા તેમની ચેમ્બરમાં જતા રહ્યા.
તે પછી એપોઇન્ટમેન્ટ માંગતા સો મીલ એસોસિએશનના પ્રમુખ અને લાગતા વળગતાને બોલાવ્યા તેમણે ખાતાના અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ રજૂઆત કરતાં મુખ્ય મુદ્દાની વાત પર આવી નાયબ વન સંરક્ષક સાહેબે તેમને લીલુ મહુડાનું ઝાડ કાપવા, વાહતુક કરવા અને સો મીલમાં લાવી વહેરવા બદલ વન અધિનિયમ અનુસાર રિઝર્વ ઝાડ અંગેનો ગુન્હો તો કર્યો તે ઉપરાંત કાયદાનું ઉલ્લંઘન કરી મોટો અપરાધ કર્યો છે જે બિલકુલ ચલાવી શકાય નહીં. જેથી આગળની કાર્યવાહી અહીંથી કરવામાં આવી છે તે વાત સ્પષ્ટ કરી
અને તે બદલ સો મીલનું લાયસન્સ રદ કેમ ન કરવું તેવી નોટિસ ફટકારતાં. સો મીલ માલિક ધનરાજભાઇએ કહ્યું “સાહેબ, આ બધું કઇંક વધુ પડતું થઈ રહ્યું છે. અમે તો માત્ર દોરો લગાવેલો તે મારા છોકરાંઓએ તોડયો એટલું જ કર્યું છે.
આ વાત સાંભળી સાહેબ ગુસ્સે થયા અને કહ્યું “યે કોઈ મામુલી સુત કા ધાગા નહીં, કાનુન કા ધાગા હૈ ઇસે તોડને કી કિંમત ચુકાની પડેગી અબ દેખતે જાવ યે કયા ચીજ હૈ .. ”
આ સાંભળી ધનરાજને કઇંક કાચું કપાયાનો અહેસાસ થયો ભૂલ સુધારવા માફી માંગી ત્યારે સાહેબે કહ્યું “જો માફી માગના ચાહતે હો તો ઉનકી માંગો જીસને યે ધાગા લગાયા થા.”
આ ઘટના પછી તેઓ મારી પાસે અનેકવાર માફી માંગવા આવ્યા પણ કોઈ ઉકેલ આવ્યો નહી. ગાંધીનગર સુધી રજૂઆત થઈ. બે મહિના સો મીલ બંધ રહી. તે પછી સરકાર બદલતાં મારી બદલી ચોટીલા અને સાહેબની જામનગર મરીન નેશનલ પાર્કમાં થઈ. નવા આવેલા અધિકારીએ સો મીલ ચાલુ કરવાનો આદેશ કર્યો..