ખેડૂતોને મોબાઈલમાં લોગ-ઈન આવડતું હોત તો ખેતી ન કરતા હોત ઃ દુધાત

અમરેલી જિલ્લામાં પડેલા ધોધમાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ખાસ કરીને મગફળી અને કપાસના પાકને. સરકારે નુકસાનના વળતર માટે ડિજિટલ સર્વે શરૂ કર્યો છે, જેનો અમરેલી જિલ્લામાં સખત વિરોધ થઈ રહ્યો છે. રાજુલા-જાફરાબાદના ૭૦ ગામના સરપંચોએ ડિજિટલ સર્વે સામે રજૂઆત કરી હતી. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સર્વેને ‘ગતકડું’ ગણાવ્યું. તેમણે સરકારને આ ‘ડિજિટલ સર્વેના ગતકડાં બંધ કરીને સીધી રીતે સહાય’ કરવાની માંગ કરી છે. પ્રતાપભાઈ દુધાતે આક્રોશ વ્યક્ત કર્યો કે, “જો ખેડૂતોને મોબાઇલમાં લોગ-ઇન કરતાં આવડતું હોત, તો એ ખેડૂતો ખેતી ન કરતા હોત.” તેમણે સરકાર પર ખેડૂતોને છેતરવાનો આરોપ મૂક્યો છે. ખેડૂતો લોન અને દેવામાંથી બહાર ન આવી શકે તેવી ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ દ્વારા આગામી ૩ નવેમ્બરથી જિલ્લાના વિવિધ સ્થળોએ ધરણાં પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.