સુરત ખાતે મકાન વેચવાના બહાને એક વ્યક્તિએ દામનગરના ફરિયાદી પાસેથી કુલ રૂ.૬,૫૦,૦૦૦ પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી હતી. આરોપીએ પૈસા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સંદર્ભે લાઠીના છભાડીયા ગામે રહેતા જનકભાઇ બાબુભાઇ વનાળિયા (ઉ.વ.૩૫) એ પાંચ તલાવડા ગામના જયદિપ પથુભાઇ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીએ તેમને જણાવ્યું હતું કે, સુરત ખાતે તેનું એક મકાન છે, જે તે રૂ.૯,૦૦,૦૦૦ની કિંમતમાં વેચવા તૈયાર છે. આ સોદાના ભાગરૂપે, દામનગર ખાતેના અવેડા ચોકમાં તેમની અને સાહેદ વિજયભાઈ બચુભાઈ ગોહિલની હાજરીમાં આરોપીએ તેમની પાસેથી રૂ.૫,૦૦,૦૦૦ રોકડા લીધા હતા. આરોપીએ આ રોકડ રકમ લીધા બાદ મકાનના વેચાણ કરાર કે પછી પાંચ લાખ રૂપિયા રોકડા લીધાનું કોઈ લેખિત લખાણ કરી આપ્યું ન હોતું. આ ઉપરાંત આરોપીએ તેની કારના વેચાણના રૂ.૧,૫૦,૦૦૦ પણ પોતાની પાસે રાખી લીધા હતા. આ રીતે, આરોપીએ કુલ રૂ.૬,૫૦,૦૦૦ પડાવી લીધા હતા. જ્યારે તેમણે પોતાના આપેલા રૂપિયા પરત મેળવવાની માંગણી કરી, ત્યારે આરોપીએ સ્પષ્ટ કહી દીધું કે, રૂપિયા નથી આપવા, તારે થાય તે કરી લેજે. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.