અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હોવાની આશંકા છે. ગાડીની અંદર સૂતેલા બે મજૂરોના અડધા સળગેલા મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સવારે સળગેલી ગાડી અને મૃતદેહો નજરે પડતાં સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, બંને મજૂરો રાત્રિના સમયે તુફાન પેસેન્જર ગાડીમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ગાડીમાં આગ લગાવી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં લીલીયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને એફએસએલની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બંને મૃતકોની ઓળખ કરવામાં આવી છે. બંને મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર ૧૬ વર્ષ),નીતિન રામસિંગ પચાયા (ઉંમર ૨૧ વર્ષ)
આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે અને કયા કારણોસર આગ લગાવવામાં આવી તે દિશામાં તપાસ ચાલી રહી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.









































