અમદાવાદની જાણીતી હયાત હોટેલમાં વિદેશી મહિલાનો તેની મંજૂરી વિના વીડિયો ઉતારી હોટેલ મેનેજમેન્ટને બદનામ કરવાની ધમકી આપી ૫ લાખની ખંડણી માગ્યાનો મામલો સામે આવ્યો છે. હોટેલમાં દેહવ્યાપાર ચાલતો હોવાના આક્ષેપ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મહિલા ક્રાઈમ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં શુભ શાહ, સંકેત પ્રજાપતિ સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, ચારેય આરોપીઓ હાલ ફરાર છે.
હોટેલ તરફથી નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ૨૯ ઓક્ટોબરની વહેલી સવારે આશરે ૫ વાગ્યે ફિલિપાઇન્સની એક મહિલા હોટેલમાં આવી હતી. આ દરમિયાન શુભ શાહ નામનો વ્યક્તિ મહિલાની પાછળ વીડિયો ઉતારતો હોટેલમાં પ્રવેશ્યો હતો. મહિલા પોતાના રૂમમાં ગઈ ત્યારે તે પણ તેની પાછળ રૂમમાં ગયો હતો અને મહિલાની મંજૂરી વિના વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, શુભ શાહે હોટેલમાં વિદેશી મહિલાઓ દ્વારા ઓનલાઇન ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ તે રિસેપ્શન પર પોતાનું વિઝિટિંગ કાર્ડ આપીને ત્યાંથી નીકળી ગયો હતો. કાર્ડ પર સંકેત પ્રજાપતિનું નામ લખેલું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
થોડા સમય બાદ હોટેલના સ્ટાફને એક ઇસ્ટાગ્રામ એકાઉન્ટની લિંક મોકલવામાં આવી હતી, જેમાં સંબંધિત વીડિયો હતો હોટેલ તરફથી વીડિયો દૂર કરવા જણાવાતાં શુભ શાહે મળવા માટે કહ્યું હતું.ફરિયાદ અનુસાર, ૩૦ ઓક્ટોબરે શુભ શાહ, સંકેત પ્રજાપતિ અને અન્ય બે વ્યક્તિઓ કારમાં હયાત હોટેલના મેનેજરને મળવા આવ્યા હતા. તેમણે મેનેજરને વીડિયો બતાવી હોટેલમાં દેહવ્યાપાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો.વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને મીડિયાને આપવાની ધમકી આપીને સેટલમેન્ટના નામે ૫ લાખ માગવામાં આવ્યા હોવાનો આરોપ છે. જાકે, મેનેજરે નાણાં આપવાનો ઇનકાર કરીને પોલીસને બોલાવવાની વાત કરતાં ચારેય ત્યાંથી નીકળી ગયા હતા.
ફરિયાદ મુજબ, ત્યારબાદ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં વિદેશી મહિલા હોટેલમાં દેહવ્યાપાર કરતી હોવાનો દાવો કરતું લખાણ પણ મૂકવામાં આવ્યું હતું. આ અંગે હોટેલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલા ક્રાઈમ વેસ્ટ પોલીસે શુભ શાહ, સંકેત પ્રજાપતિ સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, ચારેય આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમના ઘરે તથા ઓફિસે તપાસ કરી રહી છે. આ મામલે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.






































