અમદાવાદમાં રહેતી ૩૧ વર્ષીય મહિલા પીઆઇએ પતિ સહિત સાસરિયાં સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મહિલા પીઆઇનો આક્ષેપ છે કે વર્ષ ૨૦૨૩માં લગ્ન થયા બાદ બીજા જ દિવસથી પતિ, સાસુ, સસરા અને નણંદ દહેજ બાબતે મહેણાં મારી ત્રાસ આપતા હતા.પતિ દારૂના નશામાં રહેતો અને શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હોવાથી અકુદરતી સંબંધ માટે દબાણ કરી ક્રૂરતાપૂર્વક વર્તતો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. મહિલા પીઆઇ છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ પતિ રોજ દારૂ પીતો અને સંબંધ બાંધવામાં નિષ્ફળ જાય ત્યારે મહિલા પીઆઇ સાથે મારપીટ કરતો હતો.
ઘરનો ખર્ચ અને અન્ય જવાબદારીઓ પણ મહિલા પીઆઇ જ સંભાળતી હતી. તેની ગેરહાજરીમાં સાસુ તિજારી ખોલી સામાન અસ્તવ્યસ્ત કરી નાખતી હોવાનો આક્ષેપ છે. નોકરીના કારણે મહિલા પીઆઇએ રસોઈ માટે બહેન રાખી હતી, પરંતુ સાસુને તે પસંદ ન હોવાથી તેને કાઢી મૂકવા બાબતે ઝઘડા થતા હતા. પતિ પોલીસના દસ્તાવેજામાં પિતાનું નામ લખાવવા મુદ્દે પણ તકરાર કરતો હતો. નણંદ બેન્કમાં ક્લાર્ક હોવાથી મહિલા પીઆઇની જાણ બહાર તેના બેન્ક ખાતાની તપાસ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.
ફરિયાદ મુજબ પતિએ એક સમયે છથી સાત લાખ રૂપિયા આપવાનું દબાણ કરી છૂટાછેડાની ધમકી આપી હતી. નોકરી છોડી દેવા માટે પણ વારંવાર દબાણ કરાતું હતું. દોઢેક વર્ષ પહેલાં પતિ રાજસ્થાન ગયો હતો અને ત્યાર બાદ યુપીમાં મિત્રના લગ્નમાં જવાનું કહીને ગયો હતો, પરંતુ પરત આવ્યો નહોતો. મકાન માલિકને પણ ચઢામણી કરતાં મહિલા પીઆઇને ઘર ખાલી કરવાની ફરજ પડી હતી. અંતે કંટાળીને મહિલા પીઆઇએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.





































