રાજ્યસભામાં ગુરુવારે થયેલા હોબાળા વચ્ચે વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે રિજિજુએ તેમને સંસદીય નિયમો ન શીખવાડવા જોઈએ. ખડગેએ કહ્યું, “શું મારે હવે રિજિજુ પાસેથી નિયમો શીખવા પડશે? મને પણ નિયમો ખબર છે. તમે લોકો પણ સ્પીકરના ચેમ્બરમાં જાઓ અને નિયમો ટાંકો. જો હું મારો પોતાનો વિષય વાંચીને અહીં બોલું નહીં, તો હું શું કરીશ? શું હું તમે મને આપેલો વિષય વાંચીશ? શું બોલવું, ક્યારે બોલવું અને કેવી રીતે બોલવું તે નક્કી કરવાનો મારો અધિકાર છે.”
કોંગ્રેસ અધ્યક્ષે નવા ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ પવન ખેરા વિશે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુની ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો. ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર વિપક્ષી સભ્યોનું અપમાન કરી રહી છે. “તમે અમારા સભ્યનું અપમાન કરી રહ્યા છો જાણે તમે બધું જ જાણો છો.” વિપક્ષી નેતાએ કહ્યું કે વિપક્ષ ફક્ત દેશને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવી રહ્યો છે. તેમની પાર્ટીએ એવા પ્રશ્નો ઉઠાવ્યા છે જે જાહેર અને રાષ્ટ્રીય હિતમાં છે.
ખડગેએ માંગ કરી કે ગૃહમંત્રીએ ગૃહમાં આવીને નિવેદન આપવું જાઈએ. તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે સંબંધિત મંત્રી ગૃહમાં આવીને નિવેદન આપે. તે પછી, અમે સંપૂર્ણ ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.” ખડગેના નિવેદન દરમિયાન ગૃહમાં હોબાળો ચાલુ રહ્યો. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ખડગેએ આગળ કહ્યું કે સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો જવાબ આપવાને બદલે તેમને ટાળવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે જા સરકાર પોતાના વિચારો રજૂ કરવા માંગે છે, તો તેણે તેમ કરવું જોઈએ, પરંતુ વિપક્ષને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ. તેમણે અધ્યક્ષને સરકારના વિચારો સાંભળવા કહ્યું, પરંતુ વિપક્ષને બોલવાની તક પણ આપવા કહ્યું. ત્યારબાદ તેમણે રાજ્યસભાના નિયમોનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી સંબંધિત સભ્યને અગાઉથી જાણ કરવામાં ન આવે અને નિયમોનું પાલન ન કરવામાં આવે ત્યાં સુધી સભ્ય સામે બદનક્ષીભર્યા અથવા ગુનાહિત આરોપો લગાવી શકાતા નથી.
મલ્લીકાર્જુન ખડગેએ કોંગ્રેસના નેતા પવન ખેરાનો બચાવ કરતા કહ્યું કે ખેરા એક શિક્ષિત અને સારા વ્યક્તિ છે. તેમના વિશે આવી ટિપ્પણી કરવી અયોગ્ય છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદ પવન ખેરા વિશે કહ્યું હતું, જેઓ તાજેતરમાં જ સંસદમાં જોડાયા હતા, તેમણે પહેલા સંસદીય નિયમોનો અભ્યાસ કરવો જોઈએ. ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીના એક નિવેદનને ટાંકીને, ખડગેએ આગળ કહ્યું કે લોકશાહીમાં વિક્ષેપોને ક્યારેક લોકશાહી પ્રક્રિયાનો ભાગ માનવામાં આવે છે.
ખડગેએ કહ્યું કે ગૃહની કાર્યવાહી સાથે સંબંધિત મહત્વપૂર્ણ અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાનો વિપક્ષનો અધિકાર છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે પણ વિપક્ષ જનતા અને દેશ સંબંધિત પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે સરકાર તેમના જવાબ આપવાનું ટાળે છે. ખડગેએ કહ્યું, “અમે સંબંધિત મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ, પરંતુ સરકાર તેમને ટાળી રહી છે, અને આ યોગ્ય નથી.”
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા, મલ્લીકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કેન્દ્ર સરકાર તેમજ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગૃહનું સત્ર ૧૫ દિવસથી ચાલી રહ્યું છે, પરંતુ ગૃહમંત્રી ગુમ છે અને વડા પ્રધાન હાજરી આપી રહ્યા નથી. આનો અર્થ ફક્ત બે જ થઈ શકે છેઃ કાં તો તેઓ સંસદને અવગણી રહ્યા છે, તેને અસ્ત્તીત્વમાં નથી માનતા. અથવા તેઓ ગૃહમાં આવવાથી ડરતા હોય છે અને જવાબ આપતા નથી.
આ દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમાં આવે અને દેશને જણાવે કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો હતો.” સરકાર પર ઘમંડનો આરોપ લગાવતા તેમણે કહ્યું, “કાં તો સરકાર ડરી ગઈ છે અથવા તે સંસદના અસ્તીત્વનું સન્માન કરતી નથી.” ખડગેએ કહ્યું કે તેમણે રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જવાબ માંગ્યો હતો, પરંતુ સરકાર નિવેદન આપવા તૈયાર નહોતી. વિપક્ષી સાંસદોએ અધ્યક્ષ સાથે મુલાકાત કરી છે અને માંગ કરી છે કે વડા પ્રધાન માફી માંગે અને ગૃહમંત્રી ગૃહમાં આવીને સત્તાવાર નિવેદન આપે. અધ્યક્ષે સંસદીય બાબતોના મંત્રીને પણ જાણ કરી છે કે આખું ગૃહ ગૃહમંત્રી આનો જવાબ આપવા માંગે છે.
તેમણે વધુમાં કહ્યું, “અમે ફરીથી કહી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.” તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આ માટે વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ, અને ગૃહમંત્રીએ જવાબ આપવો જોઈએ. ગૃહમંત્રી ગૃહમાં આવીને નિવેદન આપવા વિશે શું કહે છે તે મને સમજાતું નથી. કાં તો તેઓ ગૃહમાં આવવાથી ડરે છે અથવા તેઓ ગૃહની અવગણના કરી રહ્યા છે.
ઝારખંડ વિદ્યાર્થી આંદોલન પર બોલતા, ખડગેએ સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓ સાથે ઉભી છે. મુદ્દો ઝારખંડ, પંજાબ, દિલ્હી કે દેશના કોઈપણ ભાગમાં હોય, પાર્ટી વિદ્યાર્થીઓ સાથે ઉભી છે અને તેમના અધિકારો માટે લડત ચાલુ રાખશે.
વિપક્ષના હોબાળા છતાં સંસદમાં અનેક બિલો પસાર થવા પર નારાજગી વ્યક્ત કરતા તેમણે પ્રશ્ન કર્યો, “જો દેશમાં આટલી મોટી ઘટના બની હોય, તો શું ગૃહમંત્રી ગૃહમાં આવીને નિવેદન પણ ન આપી શકે?”