સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજકીય પક્ષોની નોંધણી અને નિયમન માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર વિચાર કરવા સંમતિ આપી હતી, જેથી ધર્મનિરપેક્ષતા, પારદર્શિતા અને રાજકીય ન્યાયને પ્રોત્સાહન મળી શકે. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાયમાલા બાગચીની સુપ્રીમ કોર્ટની બેન્ચે આ અરજી પર કેન્દ્ર, ચૂંટણી પંચ અને કાયદા પંચને નોટિસ ફટકારી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણી નકલી પાર્ટીઓ છે જે રાજકીય પક્ષોના નામે કાળા નાણાંને સફેદ કરવામાં રોકાયેલી છે.અહેવાલ મુજબ, આ અરજી અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ઉપાધ્યાયની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ‘બોગસ રાજકીય પાર્ટીઓ’ માત્ર લોકશાહી માટે ગંભીર ખતરો નથી, પરંતુ ભયાનક ગુનેગારો, અપહરણકારો, ડ્રગ્સ દાણચોરો અને મની લોન્ડરર્સ પાસેથી મોટી માત્રામાં પૈસા લઈને તેમને રાષ્ટ્રિય અને રાજ્યના અધિકારીઓ બનાવીને દેશની છબીને પણ ખરડવામાં આવી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજકીય પાર્ટીઓ માટે કોઈ નિયમો અને નિયમનો નથી. એટલા માટે ઘણા અલગતાવાદીઓએ ભંડોળ એકત્ર કરવા માટે પોતાના રાજકીય પક્ષો બનાવ્યા છે. આ પાર્ટીઓના કેટલાક અધિકારીઓ પોલીસ સુરક્ષા મેળવવામાં પણ સફળ થયા છે.’તાજેતરના મીડિયા અહેવાલના આધારે, અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આવકવેરા વિભાગે શોધી કાઢ્યું છે કે એક ‘નકલી’ રાજકીય પક્ષ ૨૦ ટકા કમિશન વસૂલીને કાળા નાણાંને સફેદમાં રૂપાંતરિત કરી રહ્યો છે. આ મુજબ, ‘રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિમાં પારદર્શિતા અને જવાબદારી જાહેર હિતમાં જરૂરી છે, કારણ કે તેઓ જાહેર કાર્ય કરે છે અને આ કારણોસર ચૂંટણી પંચે ચોક્કસપણે તેમના માટે નિયમો અને નિયમનો બનાવવા જાઈએ.’આ કેસમાં નોટિસ જારી કરવાની ઇચ્છા વ્યક્ત કરતા, ન્યાયાધીશ સૂર્યકાન્તે અરજદારને કહ્યું કે આ કેસમાં કોઈ રાજકીય પક્ષને પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. બેન્ચે કહ્યું, ‘તેઓ કહેશે કે તમે તેમને નિયમન કરવા માટે કંઈક કહી રહ્યા છો અને તેઓ અહીં નહોતા.’ કોર્ટે અરજદારને તમામ નોંધાયેલા રાષ્ટ્રિય પક્ષોને પક્ષ બનાવવા કહ્યું. અરજી અનુસાર, સુપ્રીમ કોર્ટે જાહેર જીવનમાં પારદર્શિતા અને પ્રામાણિકતા માટે વિવિધ સુધારાત્મક પગલાં લીધાં છે. અરજી અનુસાર, ‘બંધારણના દાયરામાં રાજકીય પક્ષોને નિયમન કરવાનું પગલું મજબૂત લોકશાહી કામગીરી માટે માર્ગ મોકળો કરશે.’ અરજીમાં કાયદા પંચને વિશ્વભરના લોકશાહી દેશોમાં આવી પ્રણાલીઓની તપાસ કરવા અને રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ગુનાહિતકરણને રોકવા માટે વિગતવાર અહેવાલ તૈયાર કરવા માટે નિર્દેશ આપવા વિનંતી પણ કરવામાં આવી હતી.









































