ગુવાહાટી હાઈકોર્ટે આસામના મુખ્યમંત્રીની પત્ની સાથે જાડાયેલા કેસમાં કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી. પવન ખેરાએ હવે રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી ભૂયાન શર્મા પાસે અનેક પાસપોર્ટ હોવાના અને વિદેશમાં અઘોષિત સંપત્તિ હોવાના ખેડાના આરોપોના સંદર્ભમાં આસામ પોલીસે કેસ દાખલ કર્યો હતો.
ગુવાહાટી હાઈકોર્ટે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી ભૂયાન શર્માની ફરિયાદના આધારે પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. મંગળવારે દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખનારા ન્યાયાધીશ પાર્થિવજ્યોતિ સૈકિયા દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.
તેમની અરજીને ફગાવી દેતા, કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં બનાવટી દસ્તાવેજા રાખવા સંબંધિત ગંભીર આરોપો સામેલ છે અને એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હોઈ શકે છે, જેના કારણે સત્ય બહાર લાવવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી બની શકે છે.
ખેડાએ આરોપ લગાવ્યો હતો કે હિમંત બિસ્વા શર્માની પત્ની અનેક પાસપોર્ટ ધરાવે છે અને અનેક દેશોમાં વ્યવસાય કરે છે. તેમના આરોપોનો ભાજપ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી અને હિમંત બિસ્વા શર્માની ફરિયાદના આધારે આસામ પોલીસે ૬ એપ્રિલે તેમની સામે કેસ દાખલ કર્યો હતો.
ખેડાએ હૈદરાબાદમાં તેમના રહેણાંક સરનામાનો ઉલ્લેખ કરીને તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે તેમની સામેની એફઆઈઆર રાજકીય બદલોથી પ્રેરિત છે. હાઈકોર્ટે ૧૦ એપ્રિલે ખેડાને આગોતરા જામીન આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે બાદમાં જામીન અરજી પર સ્ટે આપ્યો હતો અને તેમને આસામ કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.