ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉને પ્યોંગયાંગમાં એક ખાસ રાજદ્વારી સમારોહમાં ભારત સહિત ૧૦ દેશોના નવનિયુક્ત રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા. ત્રણ દાયકાથી વધુ સમયમાં ઉત્તર કોરિયામાં આ પ્રકારની આ પહેલી ઘટના છે, જે દેશના આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધો તરફ ધ્યાન દોરે છે. ભારતના નવનિયુક્ત રાજદૂત સંજીવ જૈન પણ સમારોહમાં હાજર રહ્યા હતા અને કિમ જાંગ ઉન સાથેના તેમના રાજદૂતપદ સંબંધિત સત્તાવાર દસ્તાવેજા રજૂ કર્યા હતા.
ઉત્તર કોરિયાની રાજ્ય સમાચાર એજન્સી અનુસાર, કિમ જાંગ ઉને રવિવારે સવારે પ્યોંગયાંગમાં ૧૦ દેશોના નવનિયુક્ત રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા. આમાં ભારત, રશિયા, બ્રાઝિલ, સ્વીડન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ચેક રિપબ્લિક, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને બાંગ્લાદેશના પ્રતિનિધિઓ શામેલ હતા. ભારત વતી, નવનિયુક્ત રાજદૂત સંજીવ જૈને કિમ જાંગ ઉનને તેમના સત્તાવાર દસ્તાવેજા રજૂ કર્યા. ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચો સોન હુઇએ પણ સમારોહમાં હાજરી આપી હતી. કિમે બધા રાજદૂતો સાથે વ્યક્તિગત ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા.
આ સમારોહ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, ત્રણ દાયકાથી વધુ સમય પછી, ઉત્તર કોરિયાના ટોચના નેતાએ વિદેશી રાજદૂતોના ઓળખપત્રો વ્યક્તિગત રીતે સ્વીકાર્યા હતા. અગાઉ, આ જવાબદારી ઉત્તર કોરિયાના સુપ્રીમ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા નિભાવવામાં આવતી હતી. માર્ચ ૨૦૨૬ માં બંધારણીય સુધારા બાદ, વિદેશી રાજદ્વારીઓના ઓળખપત્રો સ્વીકારવાનો અધિકાર રાજ્ય બાબતોના આયોગના અધ્યક્ષને આપવામાં આવ્યો હતો, જે પદ કિમ જાંગ ઉન ધરાવે છે. નવી બંધારણીય જાગવાઈ પછી આ પહેલી વાર હતું જ્યારે તેમણે વ્યક્તિગત રીતે આ ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરી.
સમારંભ પછીના પોતાના સંબોધનમાં, કિમ જાંગ ઉને ઉત્તર કોરિયાની લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવવાની નીતિનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે તેમનો દેશ પ્રાદેશિક પ્રભુત્વ કે વિસ્તરણની નીતિ અપનાવતો નથી. તેમનો ઉદ્દેશ્ય તેની સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે પૂરતી શÂક્ત પ્રાપ્ત કરવાનો છે. કિમે જણાવ્યું કે ઉત્તર કોરિયા તેના સાર્વભૌમત્વનો આદર કરતા દેશો સાથે મિત્રતા અને સહયોગના સંબંધોને મજબૂત બનાવવા માટે તૈયાર છે. તેમણે રાજદૂતોને તેમના સંબંધિત દેશોના નેતાઓ અને નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવવા પણ કહ્યું.





































