લાઠી તાલુકાના અડતાળા ગામે યુવકોને બેઝબોલના ધોકાથી માર મારવાની અને રિવોલ્વર બતાવી ધાકધમકી આપવાની ઘટનામાં મુખ્ય આરોપી ઉપસરપંચ જીતુ વાળાને પોલીસ હજુ સુધી ઝડપી શકી નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. તેમ છતાં ઘટનાના મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર રહેતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.પ્રાપ્ત વિગતો મુજબ, અડતાળા ગામમાં યુવકોને બેઝબોલના ધોકા વડે માર મારવાની ઘટના બની હતી. આ ઘટનામાં ઉપસરપંચ જીતુ વાળા સહિતના શખસોની સંડોવણી હોવાના વીડિયો વાયરલ થયા હતા. ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરીને રિવોલ્વર બતાવી યુવકોને ધમકાવવાની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ હજુ બે આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. તેમાં મુખ્ય આરોપી અને અડતાળાના ઉપસરપંચ જીતુ વાળાનો પણ સમાવેશ થાય છે. રિવોલ્વર બતાવ્યા બાદ ઉપસરપંચ ક્યાં ફરાર થઈ ગયા છે અને હાલ ક્યાં છુપાયા છે તે અંગે પોલીસને હજુ સુધી કોઈ ચોક્કસ કડી મળી નથી. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. વિવિધ સ્થળોએ તપાસ અને શોધખોળ કરવા છતાં મુખ્ય આરોપીનો પત્તો લાગ્યો નથી. પોલીસના બાતમીદારો અને અન્ય તપાસના માધ્યમો પણ હજુ સુધી ઉપસરપંચ સુધી પહોંચી શક્યા નથી. બીજી તરફ, પોલીસની ટીમો દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હોવા છતાં પરિણામ ન મળતાં લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.એક તરફ પોલીસ દ્વારા ૨૧ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવવામાં આવે છે, તો બીજી તરફ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલી અડતાળાની ઘટનાના મુખ્ય આરોપી ઉપસરપંચને પકડવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે જાહેરમાં યુવકોને માર મારવા અને હથિયાર બતાવી ધાકધમકી આપવા બાબતે સામનો કરી રહેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસની કામગીરીમાં થઈ રહેલા વિલંબને કારણે લોકોમાં નારાજગી વધી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે મુખ્ય આરોપી જીતુ વાળાને ઝડપી પાડી આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે.







































