બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેશરપુરાની સીમમાંથી ૧૯મી નવેમ્બરના રોજ ૧૯ વર્ષીય સગર્ભા સપના ગમાર નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક સ્વપ્નાબેન લક્ષ્મણભાઈ ગમાર છ માસની ગર્ભવતી હોવાનું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. આ મામલે હડદ પોલીસે મૃતક સપનાના પ્રેમી અને આરોપી વિજય સોલંકીની ધરપકડ કરી લીધી છે. મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના મોતના મામલે હડાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ કરુણ ઘટનામાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને મહત્વની કડીઓ મળી હતી. પ્રેમપ્રકરણની આશંકાના આધારે તપાસ આગળ ધપાવતાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં કેશરપુરાના ૨૦ વર્ષીય વિજય રમેશભાઈ સોલંકીનું નામ સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પ્રેમિકા છ માસની ગર્ભવતી બનતાં પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો હોવાનું સામે આવ્યું છે.હાલ હડાદ પોલીસે આરોપીની ધરપકડ કરી મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના મોતના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે દાંતા ડિવિઝનના ડીવાયએસપી વી. બી. બારડના જણાવ્યા પ્રમાણે, ગત ૧૯મી નવેમ્બરના રોજ હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસરપુરા ગામે સપનાબેન ગમાર નામની બહેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાના મોતની તપાસ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળું દબાવીને કરવામાં આવેલું જણાવવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપી વિજયભાઈ રમેશભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, આ બનાવનું કારણ પ્રેમસંબંધમાં શારીરિક સંબંધ બંધાયાનું જાણવા મળ્યું છે. આ સંબંધને કારણે મહિલા ગર્ભવતી થઈ હતી. જેથી પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો. પ્રેમીએ આક્રોશમાં આવીને પ્રેમિકાનું ગળું દબાવીને મોત નીપજાવતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






































