જૂનાગઢમાં આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ થશે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુખ-સુવિધા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કુલ ૨,૨૪૧ સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર પરિક્રમા રૂટ અને શહેરની સુરક્ષા વ્યવસ્થાને ૧૦ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. આ ઉપરાંત મહ¥વના વિસ્તારોમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવશે. આ સુરક્ષા બંદોબસ્તમાં ૧ એએસપી,૬,ડીવાયએસપી,૨૯ પીઆઇ,૮૩ પીએસઆઇ ૨૬૯ એએસઆઇ એચસી ૬૯૨ પોલીસ કોન્સ્ટેબલ, ૯૨ એસઆરપી, ૨૧૮ હોમગાર્ડ, ૬૧૫ જીઆરડી, ૬૭ ,એસઆરડી ૧૪૫ તાલીમાર્થી અને ૨૪ એસડીઆરએફ જવાનો ફરજ બજાવશે.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પરિક્રમા રૂટ અને શહેરને ભવનાથ, માળવેલા, સિટી, નળપાણી ઘોડી, બોરદેવી, ગિરનાર, ઝીણાબાવાની મઢી, રૂપાયતન, પરબધામ અને ભેસાણ મોટરસાઇકલ પેટ્રોલિંગ ઝોન એમ કુલ ૧૦ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, પરિક્રમાવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત પરિક્રમા રૂટની અંદર આવેલી રાવટીઓમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહ¥વના વિસ્તારોમાં ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવશે.
લાખો શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈને ગુનાહિત પ્રવૃત્તિ કરવા આવતા અસામાજિક તત્વો પર નજર રાખવા સર્વેલન્સની પાંચ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આવી પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ નિયત સમયે જ પરિક્રમા શરૂ કરે અને નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરે. સાથે જ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અને સૂચનાઓનું પાલન કરે. ભવનાથ તળેટી તેમજ પરિક્રમા રૂટમાં આવેલા અન્નક્ષેત્ર અને ઉતારાના સંચાલકોને પણ પાસવાળા વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા જણાવાયું છે, જેથી પરિક્રમાવાસીઓના માર્ગમાં અવરોધ ઊભો ન થાય.
પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી પડે તો વાયરલેસ કમ્યુનિકેશનની સુવિધા ધરાવતી પોલીસની ૪૦થી વધુ રાવટીઓનો સંપર્ક કરવા જણાવાયું છે. અગાઉ કેફી પદાર્થ આપીને ઠગાઈના બનાવો બન્યા હોવાથી અજાણ્યા શખ્સો પાસેથી પ્રસાદીના નામે કોઈ પદાર્થ ન લેવા પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પરિક્રમા દરમિયાન સાથે આવતાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા તથા જરૂર પડે ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓની મદદ લેવા સૂચના આપવામાં આવી છે.








































