રાજુલા તાલુકાના કોટડીપરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ખેડૂત મનુભાઈ નકુમના ખેતરમાં સરકારી સહાયથી તૈયાર કરાયેલી ખેત તલાવડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિયોમેમ્બ્રેન ટેક્નોલોજીથી તૈયાર થયેલી આ તલાવડીમાં અંદાજે સાત લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે, જેનાથી ખેડૂતોને સિંચાઈમાં લાભ મળશે. આ પ્રસંગે રાજ્યપાલે જળસંચયના પ્રયાસ બદલ ખેડૂત પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ઝેરમુક્ત
અનાજનું ઉત્પાદન કરવા અપીલ કરી હતી. યુરિયા અને ડીએપી વિના પણ ઉત્પાદન મેળવી શકાય તેમ જણાવી વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં તાલીમ યોજવાની માહિતી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્યો હીરા સોલંકી, મહેશ કસવાળા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.








































