ગુજરાતમાં એશિયાટિક સિંહોની સુરક્ષા અને સંરક્ષણને લઈને વનવિભાગ સતત સતર્કતાના દાવા કરી રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કમાં સિંહનો મોટરસાઈકલ પર પીછો કરતા વનકર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને વનવિભાગે ત્રણ કરાર આધારિત વનકર્મીઓને ફરજમાંથી મુક્ત કરી દીધા છે. પ્રાથમિક તપાસ બાદ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું છે. મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જણાવ્યું કે વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. સાંજના સમયે સફારી પાર્કમાં સિંહોને તેમના વાડાવાળા વિસ્તારમાં પરત લઈ જવાની નિયમિત પ્રક્રિયા ચાલી રહી હતી. સામાન્ય રીતે આ કામગીરી જીપની મદદથી કરાય છે, પરંતુ કેટલાક કર્મચારીઓએ મોટરસાઈકલનો ઉપયોગ કર્યો હતો. આ બાબત સામે આવ્યા બાદ સંબંધિત કર્મચારીઓને નોટિસ આપવામાં આવી અને ત્રણેયને ફરજમાંથી મુક્ત કરાયા હતા.









































