કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં બે સગીરાઓના ધર્માંતરણના ચકચારી પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તાલીબ હુસેન, હુસેન શેખ અને નાઝીમ અલી સૈયદની સંડોવણી સામે આવતાં તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ગંભીર કેસની તપાસ માટે પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા SITની રચના કરવામાં આવી છે.તા. ૨૪/૧૦/૨૦૨૬ના રોજ એક સગીરાની માતાએ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન બીજી સગીરા પણ ગુમ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને બંને સગીરાઓ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે હોવાની માહિતી મળતાં સ્થાનિક પોલીસની મદદથી તેમને સુરક્ષિત શોધી કાઢવામાં આવી હતી. તપાસમાં સગીરાઓને લલચાવી ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. અન્ય સંડોવાયેલા લોકોની તપાસ સાથે મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.









































